એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સુવિધાઓની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

નીતિ આયોગના અહેવાલ મુજબ ભારતમાં 90 ટકા એમ્બ્યુલન્સમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી એમ્બ્યુલન્સમાં હંમેશાં પર્યાપ્ત જીવનરક્ષક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો માંગતી અરજી પર જવાબ માંગ્યો છે. કોર્ટ એ અરજી પર સુનાવણી માટે સહમત થઈ હતી જેમાં રોડ એમ્બ્યુલન્સના સંચાલન, જાળવણી અને નિયમનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવાના નિર્દેશો માંગવામાં આવ્યા હતા.
દસમી ઓક્ટોબરના પોતાના આદેશમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કહ્યું હતું કે નોટિસ જાહેર કરવામાં આવે અને તેનો ચાર અઠવાડિયામાં જવાબ આપવામાં આવે.
આ પણ વાંચો: ભાવનગરમાં જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ બે મજૂરોને ફંગોળ્યા: લોકોમાં રોષ
અરજીમાં કેન્દ્ર સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માર્ગ પરિવહન અને નેશનલ હાઈવે મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદારો સાયંશા પનંગીપલ્લી અને પ્રિયા સરકાર તરફથી વરિષ્ઠ વકીલ પર્સિવલ બિલિમોરિયા અને વકીલ જૈસ્મીન દામકેવાલા હાજર રહ્યા હતા.
પનંગીપલ્લી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ના ભૂતપૂર્વ ડિરેક્ટર, પ્રખ્યાત કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ. પી. વેણુગોપાલના દીકરી છે. પ્રિયા સરકાર વેણુગોપાલની પત્ની છે. અરજીમાં જણાવાયું છે કે, “અરજીકર્તાઓને એમ્બ્યુલન્સમાં અપૂરતી ઈમરજન્સી સુવિધાઓનો અહેસાસ એ સમયે થયો જ્યારે ડૉ. પી. વેણુગોપાલે પોતે હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં જતા સમયે રસ્તામાં મૃત્યુ પામ્યા, કારણ કે એમ્બ્યુલન્સમાં ઈમરજન્સીમાં લાઈફ સપોર્ટ સુવિધાઓનો ભારે અભાવ હતો અને પરિણામે તેઓની ઓક્સિજનના અભાવનો સામનો કરવો પડ્યો હતો.”
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી
અરજદારોને જાણવા મળ્યું કે સમગ્ર ભારતમાં એમ્બ્યુલન્સમાં પૂરતા ઈમરજન્સી સંસાધનોનો અભાવ એક મોટી ચિંતાનો વિષય છે. અરજીમાં જણાવાયું છે કે જો એમ્બ્યુલન્સમાં પૂરતી સુવિધાઓ હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત.
અરજીમાં જણાવાયું છે કે, નીતિ આયોગના અહેવાલો અનુસાર, ભારતમાં 90 ટકા એમ્બ્યુલન્સ આવશ્યક સાધનો અને ઓક્સિજન જેવી મૂળભૂત સુવિધાઓ વિના કાર્ય કરે છે. અપૂરતા સાધનો અને સુવિધાઓ મુસાફરી દરમિયાન દર્દીઓના મૃત્યુનું જોખમ વધારે છે અથવા ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થવાની શક્યતા ઘટાડે છે, જે જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. કેટલાક રાજ્યોએ એમ્બ્યુલન્સ નોંધણી માટે શરતો નક્કી કરી છે, પરંતુ વાહનોની નોંધણી થયા પછી તેનું નિરીક્ષણ કરવા અથવા પાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ સિસ્ટમ નથી.