Supreme Court ની બેન્ચ દિલ્હી તોફાનના આરોપીને જામીન આપવા એકમત નહિ, નવી બેન્ચની રચના કરાશે
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે. જેમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ દિલ્હી તોફાનના આરોપી તાહિર હુસૈનને ઉમેદવાર બનાવ્યો છે. જેથી તાહિર હુસૈને ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચાર માટે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)વચગાળાના જામીન માંગ્યા હતા. જે અંગે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં કડક ટિપ્પણી કરી હતી. જયારે આજે આ કેસની સુનાવણીમાં બે જજોની બેન્ચ સંમત ન થતા જસ્ટિસ પંકજ મિત્તલે તાહિર હુસૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. જ્યારે બીજા જજ હસનુદ્દીન અમાનુલ્લાહે અરજી સ્વીકારી હતી. ત્યારે હવે કેસ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સમક્ષ મૂકવામાં આવશે. આ કેસની સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવામાં આવશે.
તાહિર હુસૈનના ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતા
આ કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ પંકજ મિત્તલે જામીન અરજી અંગે નારાજગી વ્યક્ત કરતાં આદેશમાં કહ્યું કે તોફાનોમાં તાહિર હુસૈનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તોફાનો દરમિયાન તેણે કમાન્ડ સેન્ટર તરીકે કામ કર્યું. તેના ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતા.
તાહિર હુસૈન મની લોન્ડરિંગ કેસમાં પણ આરોપી
જ્યારે અન્ય ન્યાયાધીશ અમાનુલ્લાહે પોતાના આદેશમાં કહ્યું કે તાહિર હુસૈન છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે અને સમાજ અને મતદારોથી કપાયેલો છે. ચૂંટણી માટે જેટલા પણ દિવસો બાકી હોય પ્રચાર માટે પરવાનગી આપવી જોઈએ. જસ્ટિસ અમાનુલ્લાહે એમ પણ કહ્યું કે હાઇકોર્ટે અરજદારને ઉમેદવારી માટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા હતા. જ્યારે સરકાર વતી તાહિર હુસૈનની જામીન અરજીનો વિરોધ કરતા એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે આરોપી ચૂંટણી પ્રચાર દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું કે તાહિર હુસૈન મની લોન્ડરિંગ કેસમાં પણ આરોપી છે અને તેને આ કેસમાં જામીન મળી શકે નહીં.
આ પણ વાંચો : ભાજપે દિલ્હી ચૂંટણી માટે જાહેર કર્યો બીજો ચૂંટણી ઢંઢેરોઃ જાણો શું શું આપ્યા વચનો
ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ એ ટિકિટ આપી
તાહિર હુસૈન આમ આદમી પાર્ટીનો ભૂતપૂર્વ કાઉન્સિલર છે. તેને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ દિલ્હી વિધાનસભામાં ટિકિટ આપી છે. 14 જાન્યુઆરીના રોજ તાહિર હુસૈનને મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કસ્ટડી પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા.