સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી, ડોકટરોએ બ્રાન્ડેડને બદલે ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ડોકટરોને દર્દીઓને રાહત મળે તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા દવાઓના માર્કેટિંગ અને પ્રમોશન પર કડક નિયમન કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દેશભરના ડોકટરોએ બ્રાન્ડેડ દવાઓને બદલે ફક્ત જેનેરિક દવાઓ જ લખી આપવી જોઈએ.
વેચાણ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર મોટી રકમનો ખર્ચ
આ અવલોકન ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FMSRAI) અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યું હતું. આ અરજીમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ડોકટરોને પ્રિસ્ક્રિપ્શનની સંખ્યા વધારવા માટે પ્રભાવિત કરવાના હેતુથી વેચાણ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર મોટી રકમ ખર્ચવામાં આવે છે.
રાજસ્થાનમાં ડોકટરોને ફક્ત જેનેરિક દવાઓ જ લખી આપવાનો આદેશ
ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ જેમાં ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાનો સમાવેશ થાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે અમારું માનવું છે કે ડોકટરોને ફક્ત જેનેરિક દવાઓ જ લખી આપવાનો કાયદાકીય આદેશ આપવો જોઈએ. રાજસ્થાનમાં એક આદેશ મુજબ પહેલાથી જ બધા ડોકટરોને ફક્ત જેનેરિક દવાઓ લખવાનું જણાવવામાં આવ્યું છે.
આગામી સુનાવણી જુલાઈ માસમા યોજાશે
આ પીઆઇએલમાં અરજદારોએ હાલના સ્વૈચ્છિક નિયમનકારી માળખાની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અનૈતિક માર્કેટિંગ પ્રથાઓમાં ચાલુ રહે છે.આ કેસની આગામી સુનાવણી જુલાઈ માસમાં થવાની છે.
આ પણ વાંચો…શું સુપ્રીમ કોર્ટે ફક્ત અમીરો માટે જ છે? બેન્ચે ગુજરાતની કંપનીની અરજી ફગાવી