
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) જામીન આપી દીધા છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ માટે જેલની બહાર આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. જેના કારણે AAP નેતા અને કાર્યકાર્તામાં ખુશીઓનો માહોલ છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને કેજરીવાલના નજીકના સાથી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે કોર્ટનો આ નિર્ણય “જૂઠાણા અને કાવતરાઓ” પર સત્યની જીત દર્શાવે છે.

મનીષ સિસોદિયાએ X પરની પોસ્ટમાં લખ્યું કે “આજે ફરી એકવાર અસત્ય અને ષડયંત્રો સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે. હું ફરી એકવાર બાબા સાહેબ આંબેડકરજીની વિચારસરણી અને દૂરદર્શિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે 75 વર્ષ પહેલા ભવિષ્યના કોઈપણ સરમુખત્યાર સામે સામાન્ય માણસને મજબૂત બનાવ્યો હતો.”
દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ કહ્યું, “સત્યમેવ જયતે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજીત નહીં.”
AAP સાંસદ સંજય સિંહે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં તાનાશાહી નહીં ચાલે, કોર્ટના આ નિર્ણયથી સત્યને વધુ મજબૂતી મળી છે. સાંસદ સંજય સિંહે એક x પોસ્ટમાં કહ્યું, “લોકશાહીમાં તાનાશાહને ઝુકવું પડે છે. જરૂર એ છે કે કોઈ એવો હોવો જોઈએ જે તેને ઝુકાવી શકે. અસત્યનો પહાડ પડી રહ્યો છે. ED, CBI અને BJPના ખોટા કેસોનો પર્દાફાશ થયો છે. સત્યમેવ જયતે!”
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે પાર્ટીને તેમના નેતૃત્વની ખોટ વર્તાતી હતી. X પરની એક પોસ્ટમાં તેણે કહ્યું, “અરવિંદ કેજરીવાલ તમારું સ્વાગત છે, અમે તમને બહુ યાદ કર્યા! સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજીત નહીં! આખરે, માનનીય સુપ્રીમ કોર્ટે દિલ્હીના પુત્ર, અરવિંદ કેજરીવાલને જેલના સકંજામાંથી મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર!”
અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે AAPને અભિનંદન આપ્યા હતા. તેમણે X પરની એક એક પોસ્ટમાં લખ્યું કે “AAP પરિવારને અભિનંદન! આ સમયમાં અડીખમ રહેવા બદલ અભિનંદન. આપણા અન્ય નેતાઓની જલ્દીથી જલ્દી મુક્તિની આશા.”
કેજરીવાલની 21 માર્ચ, 2024 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેઓ એક્સાઇઝ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં હતા, ત્યારે 26 જૂને CBI દ્વારા ધરપકડ તેમની કરવામાં આવી હતી