
નવી દિલ્હીઃ એક કેસમાં અટકાયત કરાયેલા આરોપીની બીજા કેસમાં ધરપકડ ન કરવામાં આવતા તે આગોતરા જામીન મેળવવા માટે હકદાર છે, એમ આજે દેશની વડી અદાલતે જણાવ્યું હતું. ચીફ ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ કાયદાકીય પ્રશ્ન પર વિચાર કરી રહી હતી કે શું જેલમાં બંધ આરોપી અન્ય ફોજદારી કેસમાં ધરપકડ પૂર્વે જામીન માટે અરજી કરવા માટે હકદાર છે કે કેમ?
આ પણ વાંચો : કેમ CJI DY Chandrachud લોકો પાસે 500 રૂપિયાની મદદ માંગી રહ્યા છે?
ન્યાયાધીશ પારડીવાલાએ ખંડપીઠ માટે ચુકાદો આપતાં કહ્યું કે આરોપી ત્યાં સુધી આગોતરા જામીન મેળવવાને હકદાર છે જ્યાં સુધી કે તેની તે ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં ન આવે અને જો તે કેસમાં પણ તેની ધરપકડ થાય તો નિયમિત જામીન માટે અરજી કરવો એકમાત્ર ઉપાય છે. આ નિર્ણય ધનરાજ અસવાણી દ્વારા ૨૦૨૩માં દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો, જેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
ચુકાદામાં જણાવાયું છે કે એવો કોઇ સ્પષ્ટ અથવા ગર્ભિત પ્રતિબંધ નથી કે જે સેશન્સ અથવા હાઇકોર્ટને આરોપીને આગોતરા જામીન આપતા અટકાવતો હોય, જો તે કોઇ અન્ય ગુનાના સંબંધમાં કસ્ટડીમાં હોય. તે વિધાનસભાના ઇરાદા વિરુદ્ધ હશે. એક કેસમાં અટકાયતનો અર્થ એ નથી કે બીજા કેસમાં ધરપકડની શક્યતા ખતમ થઇ જશે, એમ ચુકાદામાં કહેવાયું છે.