કિશોરીઓને મફત સેનેટરી નેપકીનની માગ કરતી અરજી પર સુપ્રીમમાં ટળી સુનાવણી

નવી દિલ્હી: શાળાઓમાં ધોરણ-6થી 12માં ભણતી કિશોરીઓને મફત સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ પોલિસી ઘડવામાં આવી છે. દાખલ થયેલી અરજીમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કિશોરીઓ માટે સેનેટરી નેપકિન આપવા સહિત અલગ ટોયલેટની પણ વ્યવસ્થાની માગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વાતચીત કરીને એવી પોલિસી બનાવે કે જેમાં દેશભરની સ્કૂલોમાં અભ્યાસ કરતી બાળાઓના માટે લાગુ કરવામાં આવી શકે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જવાબ આપતા જણાવ્યું હતું કે આ માટે ડ્રાફ્ટ પોલિસી બનાવી લેવામાં આવી છે અને સ્ટેક હોલ્ડર્સની સંમતિ મેળવવા માટે તેને મોકલવામાં આવશે.
સામાજીક કાર્યકર્તા અને મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા જયા ઠાકુરે આ અરજી દાખલ કરી હતી. કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબ તથા સામાન્ય વર્ગમાંથી આવતી 11થી 18 વર્ષની કિશોરીઓને માસિક ધર્મને પગલે શિક્ષણ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંધારણની કલમ 21 મુજબ તેઓ શિક્ષાના અધિકારથી વંચિત રહી જાય છે. આ કિશોરીઓને માસિક ધર્મ અને તેની સ્વચ્છતા અંગે તેમના માતાપિતા પાસેથી પણ પૂરતું માર્ગદર્શન નથી મળતું જેથી તેઓ આજીવન અજ્ઞાનતામાં વિતાવે છે.