સુપ્રીમનો મોટો નિર્ણય: આરેમાં GMLR ટનલ માટે 95 વૃક્ષ હટાવવાની મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટના ભાગરૂપે ટનલિંગનું કામ શરૂ કરવા માટેના માર્ગને મંજૂરી આપી દીધી છે આ મંજૂરીમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને સંરક્ષિત આરે જંગલમાંથી 95 વૃક્ષો દૂર કરવાની મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર મુંબઈને તાજી હવા પૂરી પાડવામાં નિમિત્ત બને છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રી ઓથોરિટીએ બીએમસીને 1,344 વૃક્ષોનું પ્રતિપૂરક વનીકરણ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે કાપવામાં આવનાર 70 વૃક્ષોની ભરપાઈ કરી શકાય અને 25 વૃક્ષોનું સ્થળાંતર કરવામાં આવે એવી જાણકારી મળ્યા પછી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ભૂષણ આર ગવઈ અને ન્યાયમૂર્તિ કે વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ આદેશ આપ્યો છે.
આપણ વાંચો: આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો
આ ઉપરાંત બીએમસીએ નિષ્ણાત અભ્યાસો રજૂ કર્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જીએમએલઆર પ્રોજેક્ટના હાલના રોડ એલાઇનમેન્ટમાં સૌથી ઓછા વૃક્ષોનું નિકંદન થવાનું છે.
વળતર વનીકરણની યોજનાને મંજૂરી આપતી વખતે પાલિકાએ વૃક્ષારોપણ કરવામાં આવતા વૃક્ષોનું જિયોટેગિંગ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ ખંડપીઠે આપ્યો હતો.
આપણ વાંચો: શહેરના તમામ રખડતા શ્વાનોને બે મહિનામાં પકડવામાં આવશે; સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા પૂરક વનીકરણના પગલાંના ભાગરૂપે વાવેલા વૃક્ષોની સ્થિતિ અંગે પણ મુંબઈ વન સંરક્ષક પાસે અહેવાલ માંગ્યો હતો. આ મામલાની સુનાવણી છ અઠવાડિયા પછી મુલતવી રાખવામાં આવી છે.
29 જુલાઈએ સર્વોચ્ચ અદાલતે આ પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી આપી હતી, પરંતુ વૈકલ્પિક સંભવિત ગોઠવણી અને પૂરક વનીકરણ યોજનાની સમીક્ષા ન કરે ત્યાં સુધી બીએમસી પર વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.