સુનિતા કેજરીવાલનો મોદી સરકાર પર ગંભીર આરોપ, ‘તેઓ CM કેજરીવાલને મારવા માંગે છે’
રાંચી: લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના અગ્રણી નેતાઓ હાલ જેલમાં છે. જો કે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે આપના ચૂંટણી પ્રચારની લગામ હવે પોતાના હાથમાં લીધી છે. તેઓ આજે ઝારખંડની રાજધાની રાંચીમાં આજે ઈન્ડિયા બ્લોકની મહારેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.
સુનિતા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર જોરદાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ સીએમ કેજરીવાલને મારવા માંગે છે, તેમને દવાનો યોગ્ય ડોઝ આપવામાં આવી રહ્યો નથી. સુનિતા કેજરીવાલે કેન્દ્રની મોદી સરકારને સવાલ કર્યો કે મારા પતિની શું ભૂલ હતી? શા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યો છે? તેણે દિલ્હી માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
સુનીતાએ કહ્યું કે જેલના તાળા તોડવામાં આવશે અને ‘કેજરીવાલ મુક્ત થશે’. તેમણે ‘जेल के ताले टूटेंगे केजरीवाल छूटेंगे’ ના નારા લગાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
તે જ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે હું દલિતોના સૌથી મોટા નેતા શિબુ સોરેન સમક્ષ માથું ઝુકાવું છું. અહીં બે બહાદુર મહિલાઓ છે. કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ. તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ જે રીતે ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ સાથે લડી રહ્યા છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. અમે અહીં હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલ માટે આવ્યા છીએ.
ALSO READ: LokSabha Elections: ગુજરાતમાં AAPના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
તેમણે પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું કે ‘અમે પીએમ મોદીને સંદેશ આપવા માંગીએ છીએ કે સમગ્ર આદિવાસી સમાજ તમારી વિરુદ્ધ છે. સંજય સિંહે કહ્યું કે ભાજપ આંબેડકરના બંધારણમાં નહીં પરંતુ નાગપુરના બંધારણમાં માને છે. બંધારણને બચાવવા માટે આપણે લડવું પડશે. ભાજપ કહે છે અમને 400 સીટો આપો, અમારે બંધારણ બદલવું છે.’
સંજય સિંહે કહ્યું કે સરમુખત્યારની સરમુખત્યારશાહી સામેની લડાઈમાં આખો દેશ, આખું INDIA બ્લોક સાથે ઊભો છે. અમે અમારા દેશ અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું કે હું લોકોની સુનામી જોઈ રહ્યો છું. તેનો અર્થ એ છે કે ઝારખંડે ભાજપને હટાવવાનું મન બનાવી લીધું છે.
તેમણે કહ્યું કે અમે અહીં પીએમ મોદી વિશે વાત કરવા નથી આવ્યા, પરંતુ શિક્ષણ અને નોકરી જેવા ગંભીર મુદ્દાઓ પર વાત કરવા આવ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે અમે દરેકના જીવનને ઉત્તમ બનાવી શકીશું. અમે અમારા નેતાઓ હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલ માટે મંચ પર બે બેઠકો ખાલી રાખી છે.