LokSabha Elections: ગુજરાતમાં AAPના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનું ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામનો પણ સમાવેશ થયો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
આ ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન, AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ આ યાદીમાં સામેલ છે. મનીષ સિસોદિયા અને જૈન પણ હાલ જેલમાં છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય રાઘવ ચઢ્ઢા, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન, અમન અરોરાના નામ પણ આ યાદીમાં છે.
જ્યારે ગુજરાતની સીટો માટે સ્ટાર પ્રચારકોમાં ઇસુદાન ગઢવી, હેમંત ખવા, સુધીર વાઘાણી, અલ્પેશ કથિરીયા, રાજુભાઇ સોલંકી, જગમાલભાઇ વાળા, કૈલાશ ગઢવી, ડો.રમેશ પટેલ, પ્રવીણ રામ, પંકજ પટેલના નામ પણ સમાવેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સ હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતની ભરૂચ અને ભાવનગર સીટ પરથી ચૂંટણી લડી રહી છે. જેમ કે ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી અને ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.