નેશનલસ્પેશિયલ ફિચર્સ

માત્ર રામ મંદિર જ નહીં, દેશના આ મંદિરોમાં પણ સૂર્યદેવ દેવી-દેવતાઓને અભિષેક કરે છે એ જાણો છો!

આજે દેશભરમાં ધૂમધામથઈ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. આ દિવસ રામનવમી તરીકે મનાવવામાં આવે છે. જોકે, વર્ષ 2024ની રામનવમી સૌથી ખાસ છે. આજે રામનવમીના પવિત્ર દિવસે રામલલ્લાનો સૂર્ય અભિષેક કરવામાં આવ્યો હતો. સૂર્યવંશી ભગવાન રામના પાંચ વર્ષના બાળસ્વરૂપને સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. સૂર્યતિલક માટે વૈજ્ઞાનિકોએ તૈયારી કરી હતી, પણ શું તમે જાણો છો કે દેશના ઘણા મંદિરોમાં પણ સૂર્યદેવ દેવી-દેવતાઓને અભિષેક કરે છે? આવો તમને આ મંદિરો વિશે જણાવીએ.

કોલ્હાપુરનું મહાલક્ષ્મી માતાનું મંદિરઃ

કોલ્હાપુરમાં આવેલું મહાલક્ષ્મી માતાનું મંદિર સૂર્યતિલક માટે જાણીતું છે. અહીં વર્ષમાં બે વાર 2 ફેબ્રુઆરી અને 11 નવેમ્બરના દિવસે સૂર્યના કિરણ માતાની મૂર્તિનો અભિષેક કરે છે. આ ઉપરાંત 31 જાન્યુઆરી અને 9 નવેમ્બરે સૂર્યના કિરણો માતાના ચરણોમાં પડે છે અને 1 ફેબ્રુઆરી અને 10 નવેમ્બરે સૂર્યના કિરણો મૂર્તિના મધ્ય ભાગમાં પડે છે. સૂર્યના કિરણોનો આ ઉત્સવ અહીં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે.

મધ્ય પ્રદેશનું ઉનાવ બાલાજી મંદિરઃ

આ મંદિર પણ સૂર્ય મંદિર તરીકે જાણીતું ચે. આ મંદિર મધ્ય પ્રદેશના દતિયામાં આવેલું છે. પહાડો પર આવેલું આ ઘણું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સૂર્યના કિરણો ગર્ભમાં આવેલી મૂર્તિ પર પડે છે. જોકે, ઘણું જૂનું હોવાથી આ મંદિર હાલમાં તૂટીફૂટી અવસ્થામાં છે.

ગુજરાતનું મોઢેરા સૂર્યમંદિરઃ

ગુજરાતના મહેસાણાથી આશરે 25 કિમી દૂર મોઢેરા ગામમાં સૂર્યમંદિર આવેલું છે. આ મંદિર ચાલુક્ય વંશના ભીમ પ્રથમના શાસન દરમિયાન 1026-27માં બાંધવામાં આવ્યું હતું. અહીં મંદિરની રચના એવી છે કે 21 માર્ચ અને 21 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો સીધા મૂર્તિ પર પડે છે. જોકે, હાલમાં મંદિરમાં મૂર્તિ તો નથી, પણ ભવ્ય ભૂતકાળની ઝાંકી કરાવતું મોઢેરા સૂર્યમંદિર અદભૂત છે.

કોણાર્કનું સૂર્યમંદિર

ઓડિશાના કોણાર્કમાં આવેલું સૂર્યમંદિર તો વિશ્વભરમાં જાણીતું છે. આ મંદિર ગંગા વંશના શાસક રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની બાંધણી એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો પહેલા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર પડે છે અને બાદમાં ગર્ભગૃહને દૈદિપ્યમાન કરે છે. જોકે, આ મંદિર પણ ઘણું જૂનું છે અને મંદિરમાં કોઇ મૂર્તિ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button