IIT ખડગપુરમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ વર્ષનો પાંચમો કેસઃ કેમ સ્ટ્રેસ મેનેજમેન્ટ નથી થઈ રહ્યું?

ખડગપુર: શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાના બનાવ એ સમાજની સામે રહેલી એક મોટી ચિંતા છે. આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur)ના રિસર્ચ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીએ શનિવારે પોતાના હોસ્ટેલના રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ 27 વર્ષીય હર્ષ કુમાર પાંડે તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડના રાંચીનો રહેવાસી હતો. તે મિકેનિકલ એન્જિનિયરિંગમાં રિસર્ચ સ્કોલર હતો અને તેણે મોતીલાલ નેહરુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાંથી એમટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે હર્ષના પિતાનો તેમની સાથે સંપર્ક ન થઈ શક્યો, ત્યારે તેમણે આઈઆઈટીના સુરક્ષાકર્મીઓનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓને પાંડેનો રૂમ અંદરથી બંધ મળી આવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બીઆર આંબેડકર હોલ સ્થિત તેમના રૂમમાંથી પાંડેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ વર્ષે આત્મહત્યાનો પાંચમો કેસ
મૃતદેહને આઈઆઈટી ખડગપુરની બીસી રૉય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હર્ષના આત્મહત્યાનો કેસ 2025માં આઈઆઈટી ખડગપુરમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો પાંચમો શંકાસ્પદ કિસ્સો બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં આવા જ કિસ્સાઓ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે આઈઆઈટી ખડગપુરની મુલાકાત પણ લીધી હતી.
આત્મહત્યાના કેસ રોકવા માટે ઘણા પગલાં ઉઠાવાયા
આઈઆઈટી ખડગપુરના ડિરેક્ટર સુમન ચક્રવર્તીએ 23 જૂને કાર્યભાર સંભાળ્યા બાદ વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે ઘણા પગલાં લીધા છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સેતુ એપ જેવી પહેલ શરૂ કરવામાં આવી હતી. તેઓ 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે વિદ્યાર્થીઓ સાથે મશાલ સરઘસમાં પણ જોડાયા હતા.