
નવી દિલ્હીઃ જગદીપ ધનખડે સોમવારે અચાનક ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે અત્યારે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ દ્વારા સતત વાક્ પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. પોતાનું સ્વાસ્થ્ય સારૂ ના હોવાથી રાજીનામું આપ્યું હોવાનો જગદીપ ધનખડે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ વિપક્ષ માને છે કે, તેમને પરણા અને દબાણપૂર્વક રાજીનામું અપાવવામાં આવ્યું છે. જગદીપ ધનખડ માટે વડાપ્રધાને કરેલી પોસ્ટ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો છે.
ખેડૂતપુત્રને સન્માનજનક વિદાય પણ આપવામાં આવી રહી નથીઃ જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘વડા પ્રધાનની એક્સ પરની તેમની પોસ્ટમાં જગદીપ ધનખડના બળજબરીથી રાજીનામા પર કોઈ ટિપ્પણી કરી ન હતી તે હકીકત તેમના અચાનક રાજીનામાના કારણોને વધુ રહસ્યમય બનાવે છે. જો વડા પ્રધાન ઇચ્છતા હોત તો તેઓ થોડી ઉદારતા બતાવી શક્યા હોત, પરંતુ પાખંડ કરવામાં તેવો માહિર છે. ખેડૂતપુત્રને સન્માનજનક વિદાય પણ આપવામાં આવી રહી નથી’. રાજીનામાનો મામલે હવે વધારે ઉગ્ર બની રહ્યો છે.
The PM's non-post on X regarding Shri Jagdeep Dhankar's forced resignation has only added to the mystery of his abrupt exit. Surely the PM could have been a bit more gracious–he is, after all, the supreme master of hypocrisy. The kisanputra is being denied even a dignified…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2025
કોંગ્રેસ નેતા રમેશે એક્સ પર પોસ્ટ કરી કર્યો નવો ખુલાસો
કોંગ્રેસ નેતા રમેશે એક્સ પર એક બીજી પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, ‘ગઈકાલે જગદીપ ધનખડે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિની અધ્યક્ષતા કરી હતી. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિત મોટાભાગના સભ્યો હાજર હતા. થોડી ચર્ચા પછી વ્યાપાર સલાહકાર સમિતિએ સાંજે 4:30 વાગ્યે ફરી મળવાનું નક્કી કર્યું હતું. સાંજે 4:30 વાગ્યે વ્યાપાર સલાહકાર સમિતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં ફરી મળી હતી. આ બેઠકમાં નડ્ડા અને રિજિજુની રાહ જોવાઈ રહી હતી પરંતુ તેઓ આવ્યા નહીં’.
વિપક્ષે પીએમ મોદીની પોસ્ટ બાબતે નારાજગી વ્યક્ત કરી
જ્યારે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી હતી. પરંતુ વિપક્ષે પીએમ મોદીની પોસ્ટ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. સાથે અન્ય વિપક્ષી પક્ષો ખાસ કરીને ભારત ગઠબંધનના નેતાઓએ પણ આના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઘણા નેતાઓએ અનુમાન લગાવ્યું હતું કે, ધનખરને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હકીકત શું છે તેના વિશે કોઈને ખ્યાલ નથી પરંતુ વિપક્ષ સરકારને ઘેરવા માટે પ્રશ્નો કરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ કર્યાં આક્ષેપ
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે સોમવારે બપોરે 1 વાગ્યાથી 4.30 વાગ્યાની વચ્ચે કંઈક ખૂબ જ ગંભીર બન્યું હતું તેના કારણે નડ્ડા અને રિજ્જિુ આવ્યા નહોતા. પરંતુ આ બાબતે ધનખડને કોઈ જાણ કરવામાં આવી નહોતી. હવે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનો દાવો છે કે, જગદીપ ધનખડે પાસે પરાણે રાજીનામું અપાવવામાં આવ્યું છે. પરંતુ સરકારમાં શું રંધાઈ રહ્યું છે તે બાબતે અત્યારે કંઈ કહી શકાય નહી! અત્યારે કેન્દ્રમાં રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. જેને જગદીપ ધનખડના રાજીનામાએ નવો વેગ આપ્યો છે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. જેમાં દેશના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સમય છે તેવા સમયે અન્ય દિશામાં ચર્ચાઓ શરૂ થઈ છે. વિપક્ષના દાવા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.