
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. આ દરમિયાન આ વિસ્તારમાં કટોકટી પણ લાદવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ બધા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. અહેવાલ મુજબ ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના ઝેલમ નદીમાં પાણી છોડી દીધું છે. જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાં પાણીનું સ્તર વધ્યું
જેના લીધે પાકિસ્તાનના સ્થાનિક વહીવટીતંત્રે હટિયન બાલામાં કટોકટી જાહેર કરી છે અને મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી પાણી પ્રવેશ્યું હતું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાંથી વધી રહ્યું છે.
ઝેલમ મુઝફ્ફરાબાદ શહેરમાંથી પસાર થાય છે
પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે મુઝફ્ફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરના ભય અંગે લોકોને ચેતવણી આપી છે અને તેમને નદીના પ્રવાહથી દૂર રહેવા કહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુઝફ્ફરાબાદ અને ચકોઠી વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પુલ પર એકત્ર થયા છે અને નદીમાં પૂર જોઈ રહ્યા છે. ભારતમાં શ્રીનગર અને બારામુલ્લાની જેમ પાકિસ્તાનમાં ઝેલમ મુઝફ્ફરાબાદ શહેરમાંથી પસાર થાય છે.