આનંદો આધારને લઈને આવી મહત્વની માહિતી…

નવી દિલ્હીઃ આધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે મહત્ત્વનો દસ્તાવે જ છે અને હવે આ જ આધાર કાર્ડને લઈને એક મહત્ત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે લોકો ફ્રીમાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માગે છે એ લોકો માટે હવે સરકાર દ્વારા ફ્રી આધાર કાર્ડ અપડેટની ડેડલાઈન લંબાવીને 14મી માર્ચ કરી દેવામાં આવી છે.
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં આ ડેડલાઈન 15મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. UIDAI દ્વારા My Aadhar Portal દ્વારા આધારની માહિતીને ફ્રીમાં અપડેટ કરાવવાની મર્યાદાને લંબાવવામાં આવી છે. UIDAI દ્વારા 11મી ડિસેમ્બર, 2023ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે. હવે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 14મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવા નિર્ણય બાદ હવે myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ,2024 સુધી મફત રહેશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેશો તો ત્યાં તમારે નક્કી કરેલો ચાર્જ ચૂકવવો પડશે.
આ સિવાય જેમનું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અને તેણે પોતાનાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેમને UIDAI દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. જેથી આધાર કાર્ડ સંબંધિત છેતરપિંડી રોકવામાં મદદ મળી શકે. આ ઉપરાંત વસ્તી વિષયક માહિતી માટે પણ આધાર અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે.