યુપીમાં બીગ બી સહિતના સિતારાઓનો જમાવડો કરાવ્યો હતો સુબ્રતો રૉયે
રાજકારણમાં મંદિર અને મંડળ પંચની વાતો ચાલતી હતી તે સમયે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ રંગબેરંગી પાર્ટીઓનું આયોજન કરવાનું શરૂ કર્યું, જેમાં મુંબઈથી ફિલ્મ સ્ટાર્સના આવવા લાગ્યા. ઉત્તર પ્રદેશના તત્કાની મુખ્ય પ્રધાન વીર બહાદુર સિંહના વિશ્વાસુ ગણાતા અને ગોરખપુરના રહેવાસી આ વ્યક્તિનું નામ સુબ્રતો રોય હતું, જેમનું 75 વર્ષની વયે નિધન થયું છે.
તેણે નાના વેપારીઓ પાસેથી રોજેરોજ પૈસા વસૂલવા માટે રાજ્યમાં એક કંપની ખોલી હતી. તેની સ્કીમો ખૂબ જ આકર્ષક હતી, એક તો ગ્રાહકે પોતાની સાથે કેટલાક વધુ ગ્રાહકો ઉમેરવાના હતા અને પછી આ ગ્રાહકોએ તે જ રીતે કેટલાક વધુ ગ્રાહકો ઉમેરવાના હતા. સાંકળો બનતી રહી અને પૈસા લખનઉ પહોંચતા રહ્યા. જ્યારે વીર બહાદુરનું પેરિસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, ત્યારે સુબ્રતો રોય રાજ્યના નવા મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવ સાથે જોડાયા.
સુબ્રતો રોયના સહારાના અખબાર- ટીવી ચેનલ જામ્યા અને ત્યાર બાદ તેમણે સિનેમાની દુનિયામાં શરૂઆત કરી. તે દિવસોમાં, અમિતાભ બચ્ચન કામ પર પાછા ફર્યા હતા. આ અરસામાં જ દેશમાં પ્રથમ વખત મિસ વર્લ્ડનું આયોજન કરવાની જાહેરાત થઈ હતી. અમિતાભ બચ્ચનની કંપની તે સમયે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.
બીજી તરફ ઉત્તરમાં રાજકીય ચક્ર એટલું ઝડપથી વળતું હતું કે મુલાયમ સિંહ યાદવ લખનઉની રાજનીતિમાંથી બહાર આવ્યા અને દિલ્હીમાં સક્રિય બન્યા અને સંરક્ષણ પ્રધાનનું પદ પણ મેળવ્યું. અને, આ સમય દરમિયાન જ સહારા અમર સિંહને મળ્યા હતા. રાજનીતિ, સિનેમા અને સત્તાને સંતુલિત કરવાની અમરસિંહની ફોર્મ્યુલાએ આવનારા દિવસોમાં લખનઉની તસવીર બદલી નાખી.
તે દિવસોમાં સુબ્રત રોયે અમર સિંહ સાથે મળીને સહારા એરવેઝના નામથી દેશમાં હવાઈ સેવાઓ શરૂ કરી હતી. જોકે તે જાહેર હવાઈ સેવા તો માત્ર નામની હતી પણ તમામ વિમાનો દેશના ટોચના નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સની વ્યક્તિગત સેવાઓમાં રોકાયેલા હતા. ફિલ્મ સ્ટાર્સથી ભરેલી મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પહેલા લખનઉ અને પછી સૈફઈ જવા લાગી. ઉત્તર પ્રદેશ અહીંથી હિન્દી સિનેમાના નકશા પર આવ્યું અને અમિતાભ બચ્ચનની વિશેષ સક્રિયતાએ આ સમયગાળા દરમિયાન હિન્દી સિનેમાના દરેક મોટા સિતારાઓને યુપીની મુલાકાત લેતા કરી દીધા. અમિતાભ બચ્ચનને આનો ફાયદો એ થયો કે ટૂંક સમયમાં તેઓ સહારાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બની ગયા.
વાત અહી અટકી ન હતી. ફેબ્રુઆરી 2004માં, દેશે લખનઉમાં અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન જોયા. સુબ્રતો રોયના પુત્રો સુશાંતો અને સીમાંતોના લગ્ન લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે થયા હોવાનું કહેવાય છે. તે સમયના દિગ્ગજ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીએ આ આખા લગ્નની ફિલ્મ બનાવી હતી. તાજ હોટેલના મુખ્ય રસોઈયા હેમંત ઓબેરોય મહેમાનો માટે વાનગીઓ તૈયાર કરવા આવ્યા હતા. કહેવાય છે કે મહેમાનોની આગતા સ્વાગતાની જવાબદારી બીગ બીને સોંપવામાં આવી હતી.
લંડનથી એક ખાસ સિમ્ફની ઓર્કેસ્ટ્રા લાવવામાં આવી હતી અને મહેમાનોની યાદીમાં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો સમાવેશ થતો હતો. આ પહેલા જ્યારે મુલાયમ સિંહ યાદવના પુત્રના લગ્ન થયા ત્યારે સહારા શહેરમાં તેનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. સત્તા અને વેપારનો આ સમન્વય લગભગ બે દાયકા સુધી અવિરત ચાલુ રહ્યો. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર બની અને મુખ્ય પ્રધાન માયાવતીએ સહારા શહેરને સીધું નિશાન બનાવ્યું ત્યારે મામલો બગડવા લાગ્યો તેમ માનવામા આવે છે. બુલડોઝર ચલાવવું તે સમયે પણ યુપીની રાજકીય સંસ્કૃતિનો એક ભાગ હતું કારણ કે માયાવતીની સૂચના પર સહારા શહેરનો મોટો હિસ્સો જમીનદોસ્ત કરવામાં આવ્યો હોવાનું અહેવાલો જણાવે છે.