શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં 18 દિવસ શું કર્યું? ખેતીવાડી સહિતના અનેક પ્રયોગોની જાણો વાત…

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથકથી સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટની કેપ્સુલમાં બેસીને 23 કલાકની સફર ખેડીને એક્સિઓમ મિશન 4ના ગૃપ કેપ્ટન અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા તથા પૈગી વ્હિટસન(કમાંડર), સ્લાવોશ ઉજનાંસ્કી-વિસ્નિવ્સકી (પોલેન્ડ) અને ટિબોર કપુ (હંગરી) સહિતના સાથીઓ ધરતી પર પરત ફર્યા છે. લગભગ 20 દિવસ સુધી ચાલેલા આ મિશનમાં શુભાંશુ શુક્લા અને તેમની ટીમે 18 દિવસ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષમથકમાં વિતાવ્યા હતા. આ 18 દિવસ દરમિયાન તેમણે શું કર્યું? તે જાણવા જેવું છે.
શુભાંશુ શુક્લાએ જોયા 16 સૂર્યોદય
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથક પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપરની કક્ષામાં 28,000 કિમી/કલાકની ઝડપે ભ્રમણ કરે છે, જેથી છેલ્લા 18 દિવસ દરમિયાન શુભાંશુ શુક્લાને 16 સૂર્યોદય અને સૂર્યોસ્ત જોવા મળ્યા હતા. જમીન પર થનારી ખેતીવાડી દરેક જણે જોઈ છે, પરંતુ શુભાંશુ શુક્લાએ ખેડૂત બનીને અંતરિક્ષમાં ખેતી કરી હતી. માઇક્રોગ્રેવિટી એટલે કે અંતરિક્ષના ગુરૂત્વાકર્ષણમાં છોડના બીજ કેવી રીતે અંકુરિત થાય અને તેનો કેવી રીતે વિકાસ થાય? એ જોવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ચણા, મેથી અને મગના બીજ રોપ્યા
શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથકમાં લીલા ચણા, મેથી અને મગના બીજને પેટ્રી ડિશમાં અંકુરિત કર્યા છે અને તેને સ્ટોરેજ ફ્રીજરમાં મૂકી દીધા છે. આ બીજમાંથી ઉગેલા છોડની આનુવંશિકતા, માઇક્રોબાયલ ઇકોસિસ્ટમ અને પોષણ પ્રોફાઇલમાં શું ફેરફાર આવે છે, તેનું અવલોકન કરવામાં આવશે. શુભાંશુ શુક્લાએ અન્ય એક પ્રયોગમાં શેવાળનો ઉપયોગ પણ કર્યો છે. શેવાળનો ઉપયોગ ખોરાક, ઓક્સિજન અને જૈવ ઈધણના ઉત્પાદન માટે કરવામાં આવે છે. આ શોધ આગામી સમયમાં અંતરિક્ષમાં ટકાઉ ખેતી કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઝીરો ગ્રેવિટીમાં શરીરની પ્રતિક્રિયાનો અભ્યાસ
વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ વધારવાના હેતુથી શુભાંશુ શુક્લા અને તેમની ટીમના સભ્યોએ અંતરિક્ષમાં 14 દિવસ સુધી 31 દેશના 60 પ્રયોગ તથા અનેક વૈજ્ઞાનિક સંશોધનો કર્યા છે, જેમાં અંતરિક્ષમાં માનવ શરીર પર થતી અસરોનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે, જેમાં અંતરિક્ષના શૂન્ય ગુરૂત્વાકર્ષણમાં શરીરની પ્રતિક્રિયાના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.
‘ગગનયાન’ મિશન માટે શુભાંશુના અનુભવોનું મહત્ત્વ
ઉલ્લેખનીય છે કે, ભારત માટે અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાના અંતરિક્ષના અનુભવો ઘણા કામમાં આવવાના છે. કારણ કે ભારત પોતાના પહેલા માનવ અંતરીક્ષ મિશન ‘ગગનયાન’ની તૈયારી કરી રહ્યું છે. એક્સિઓમ મિશન 4 દ્વારા પ્રાપ્ત થયેલા ડેટા ‘ગગનયાન’ મિશન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.