ખાખીને કરી શર્મશારઃ સબ ઈન્સ્પેક્ટરે પાંચ વર્ષની બાળકીને પીંખી, લોકોએ કરી ધોલાઈ
લોકોની રક્ષા માટે શપથ લઈ ખાખી પહેરતા જવાનો જ્યારે હેવાન બને ત્યારે ઘટનાની ભયાનકતા વધી જાય છે. રાજસ્થાનમાં આવી ઘટના ઘટી છે જેણે ખાખી પર ફરી દાગ લગાવ્યો છે.
અહીં રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર પાંચ વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો હોવાની ઘટનાએ લોકોમાં એટલો ગુસ્સો પેદા કર્યો કે લોકોએ ખાખીવાળાની જ ધોલાઈ કરી નાખી હતી. આ ઘટના રાજસ્થાનના દૌસામાં બની હતી. આ ઘટના અંગે ASP બજરંગ સિંહે જણાવ્યું કે આ ઘટના લાલસોટ વિસ્તારમાં બની હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સિંહ તરીકે ઓળખાતા આરોપી સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને બપોરના સમયે તેના રૂમમાં લલચાવી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
એએસપી સિંહે જણાવ્યું કે નજીકમાં રહેતા એક પરિવારની ફરિયાદના આધારે રાહુવાસ પોલીસ સ્ટેશનમાં ભૂપેન્દ્ર નામના એસઆઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે આરોપી સબ ઈન્સ્પેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવને અંજામ આપ્યો ત્યારે આરોપી ચૂંટણી ફરજ પર હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે.
દરમિયાન, દૌસાના એસપી વંદિતા રાણાએ જણાવ્યું હતું કે બાળકીની ચોક્કસ ઉંમર તબીબી તપાસ પછી અને પીડિતાના પરિવારના સભ્યોના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે. તેણે જણાવ્યું કે બાળકીની અંદાજિત ઉંમર ચારથી પાંચ વર્ષની આસપાસ છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં રાહુવાસ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસ સ્ટેશનની બહાર જોરદાર દેખાવો કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધ કરી રહેલા ગ્રામજનોએ આરોપી સબ ઈન્સ્પેક્ટરને માર પણ માર્યો હતો.