NEET UG માં સફળ ન થયા? ચિંતા ન કરો! દેશની સેના સાથે નર્સિંગ ક્ષેત્રમાં બનાવો ઉજ્જવળ કારકિર્દી

નવી દિલ્હી: દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાના સપનાને લઈને NEET UGની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જો કે આ પરીક્ષા પાસ કરવી તમામ વિદ્યાર્થીઓ માટે સરળ નથી હોતી.
જો આવી સ્થિતિમાં તમે પણ નીટની પરીક્ષામાં સફળ નથી થયા તો રશો નહિ પણ તમારી પાસે મેડીકલ ફિલ્ડમાં કારકિર્દી બનાવવાનો વિકલ્પ છે. અહી અમે તમને ભારતીય સેના સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત સંસ્થાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે નર્સિંગનો અભ્યાસ કરીને મેડીકલ ક્ષેત્રમાં પોતાના સપનાને સાકાર કરી શકો છો.
આપણ વાંચો: ગુજરાતનો ડંકો: NEET UG 2025માં 2 ગુજરાતી વિદ્યાર્થીઓ ટોપ-10માં, રિઝલ્ટ જાહેર!
આ સંસ્થાનું નામ છે આર્મી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ ગુવાહાટી. AIN, ગુવાહાટી નર્સિંગના ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડે છે અને ખાસ કરીને સૈન્યકર્મીઓ અને પૂર્વ-સૈન્યકર્મીઓના બાળકો માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી બીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ જેવા કોર્સ કરી શકાય છે, જે મેડિકલ ફિલ્ડમાં એક શાનદાર કારકિર્દીની દિશામાં મજબૂત પગલાં સાબિત થઈ શકે છે.
આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ (AIN), ગુવાહાટીની સ્થાપના 2006માં સૈન્યકર્મીઓ અને પૂર્વ-સૈન્યકર્મીઓના બાળકોને ગુણવત્તાયુક્ત નર્સિંગ શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ સંસ્થા શ્રીમંત શંકરદેવ યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિઝ (SSUHS) સાથે સંલગ્ન છે અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, આસામ નર્સિંગ કાઉન્સિલ અને આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી (AWES) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આપણ વાંચો: આજે NEET UGની પરીક્ષા; ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આર્મી કોલેજ બી.એસસી નર્સિંગ પાત્રતા માપદંડ
ઉમેદવારોએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષયો સાથે ૧૦+૨ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઓછામાં ઓછા ૫૦% ગુણ જરૂરી છે. આ સાથે જ અરજી કરતી વખતે ઉમેદવારોની ઉંમર ૧૭ થી ૨૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી OAT (ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષામાં મેળવેલા ગુણ અને કાઉન્સેલિંગ પ્રક્રિયાના આધારે કરવામાં આવે છે.
આર્મી કોલેજ એમએસસી યોગ્યતાના માપદંડ
ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં ઓછામાં ઓછા ૫૫% ગુણ સાથે ઉત્તીર્ણ હોવું જોઈએ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: AIN ગુવાહાટીમાં એમએસસી નર્સિંગમાં પ્રવેશ PG-WAT (પોસ્ટ ગ્રેજ્યુએટ વેલફેર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષા દ્વારા થાય છે.