જેએનયુમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી વિરુદ્ધ નારેબાજી કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાશે…

નવી દિલ્હી : દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)કેમ્પસમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. જેની બાદ વહીવટીતંત્રએ આ અંગે કડક વલણ અપનાવ્યું છે. જેમાં યુનિવર્સિટી સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. તેમજ કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા, ગેરકાયદેસર વર્તન અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.
શિષ્ટાચારનું ઉલ્લંઘન અસ્વીકાર્ય
જેએનયુ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓ નવીનતા અને નવા વિચારોનું કેન્દ્ર છે. પરંતુ તેમને નફરતની પ્રયોગશાળા બનવાની મંજૂરી આપી શકાય નહીં. વહીવટીતંત્રે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કાયદા અને સંસ્થાકીય શિષ્ટાચારનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
આ અંગે જેએનયુએ સ્પષ્ટતા કરી છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને નિયમો અનુસાર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.યુનિવર્સિટી વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને શાંતિ અને શિસ્ત જાળવવાની અપીલ કરી છે.
પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી
ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સોમવારે રાત્રે સાબરમતી હોસ્ટેલની બહાર પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ સંદર્ભમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેએનયુ સુરક્ષા વિભાગે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થી સંઘના અધિકારીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ પર સૂત્રોચ્ચાર કરવાનો આરોપ
જેમાં વિદ્યાર્થી સંઘના અધિકારીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ પર સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે. દિલ્હી રમખાણોના કેસમાં આરોપી જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દીધી હતી. જેની બાદ સોમવારે 5 જાન્યુઆરીમાં કેમ્પસમાં થયેલી હિંસાની વર્ષગાંઠ પર આક્રોશ વ્યક્ત કરવા માટે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. જેમાં છ વિદ્યાર્થી સંગઠનો એકત્ર થયા હતા. જેની બાદ સમગ્ર વાતાવરણ બદલાયું હતું અને વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.



