ઓડિશામાં જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહ પ્રયાસ, રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: ગઈ કાલે ઓડિશાના બાલાસોરની ફકીર મોહન ઓટોનોમસ કોલેજ(Fakir Mohan Autonomous College, Odisha)ના કેમ્પસમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીએ કોલેજના પ્રિન્સિપાલના ચેમ્બર સામે પોતાની જાતને આગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ (Student set herself fire) કર્યો હતો, જેમાં તે 90 ટકાથી વધુ દાઝી ગઈ છે, હાલ વિદ્યાર્થિની જીવન મરણની લડાઈ લડી રહી છે. અહેવાલ મુજબ કોલેજના એક પ્રોફેસર દ્વારા થતી જાતીય સતામણીથી કંટાળીને વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું.
પીડિત વિદ્યાર્થિનીના સાથી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, તે ઘણા સમયથી માનસિક તણાવમાં હતી. ઇન્ટિગ્રેટેડ બી એડ વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ(HoD) સમીર કુમાર સાહૂ તેની જાતીય સતામણી કરી રહ્યા હતાં. પીડિતાના સહપાઠીઓએ દાવો કર્યો હતો કે HOD સાહૂ વારંવાર તેની પાસે અયોગ્ય માંગણીઓ કરતા હતાં અને એવું નહીં કરે તો પરિણામો ભોગવવાની ધમકી આપતા હતાં. વિદ્યાર્થિની એ કોલેજના પ્રિન્સિપાલ અને સ્થાનિક પોલીસ બંને સમક્ષ સત્તાવર ફરિયાદ નોંધાવી હતી, છતાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી ન હતી.
કંટાળેલી વિદ્યાર્થિનીએ કોલેજ પ્રિન્સિપાલના ચેમ્બર સામે આત્મદાહ કરી લેતા આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પણ આ ઘટનાની નિંદા કરતા રાજ્યની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા છે.
કોઈએ ફરિયાદના સાંભળી:
પવન ખેડાએ X પર કરેલી એક પોસ્ટમાં લખ્યું, “ઓડિશામાં એક કોલેજના HOD દ્વારા થતી સતત જાતીય સતામણીનો ભોગ બનેલી એક વિદ્યાર્થિનીએ પોતાને આગ લગાવવાનું પગલું ભરવું પડ્યું એ રાષ્ટ્રીય આપત્તિ છે. વિદ્યાર્થિનીએ મદદ માટે બિનસત્તાવાર રીતે પ્રિન્સિપાલને, સત્તાવાર રીતે ઇન્ટરનલ કમ્પલેંટ કમિટી(ICC)ને અને સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને વિનંતી કરી હતી. છતાં, તેની ફરિયાદો સાંભળવામાં આવી નહીં.”
ડબલ એન્જિન સરકાર એ મજાક છે!
ભાજપ શાષિત રાજ્ય પર પ્રહારો કરતા ખેડાએ લખ્યું કે ભાજપના એક સાંસદે HODના સસ્પેન્શનની માંગણી કરી હતી, પરંતુ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એ માંગને પણ ફગાવી દીધી. શાસક પક્ષના સ્થાનિક સાંસદ આટલા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મામલામાં કોલેજના પ્રિન્સિપાલ પર દબાણ બનાવી શકતા નથી, ત્યારે ‘ડબલ એન્જિન સરકાર’ એ ક્રૂર મજાક સિવાય બીજું કશું નથી.
પવન ખેડાએ કહ્યું, “આ માત્ર સંસ્થાની નિષ્ક્રિયતા જ નથી પણ, ગુનામાં ભાગીદારી છે. એક મહિલાને આત્મદાહ કરવા માટે મજબૂર કરવા બદલ ગુનેગાર, HoD સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પ્રિન્સિપાલ અને ICCને પણ જવાબદાર ઠેરવવા જોઈએ – ફક્ત બેદરકારી માટે જ નહીં, પરંતુ ઉશ્કેરણી માટે પણ.”
મહિલાઓની સુરક્ષા મોટો મુદ્દો:
ભાજપ શાષિત રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવતા પવન ખેડાએ કહ્યું, “નોંધનીય વાત એ છે કે પીડિતા ભાજપ શાસિત રાજ્ય(ઓડીશા)માં ABVP(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભાજપની વિદ્યાર્થી પાંખ)ના પદાધિકારી હતા. ઓડિશા અને અન્ય રાજ્યોમાં સત્તાના નેટવર્ક સુધી પહોંચ ન ધરાવતી સામાન્ય મહિલાઓ શું અપેક્ષા રાખી શકે છે?”
વડાપ્રધાન પ્રધાન મોદી પર નિશાન તાકતા તેમણે કહ્યું, આ બધા મોદી ભક્તો માટે જાગી જવા માટેનો સંદેશ છે. “બેટી બચાવો, બેટી પઢાઓ” ફક્ત મીડિયાનો શો છે. શાસક પક્ષ પીડિતાને બદલે આરોપીઓની સાથે ઊભા રહેવાની, પીડિતાને બદલે બળાત્કારીઓને બચાવવાની વૃત્તિને કારણે, પોતાના રોજિંદા જીવનમાં ભારતભરની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. તેથી, આપણે પોતાની જાતને પૂછવું પડશે: શું આ એ ભારત છે જે આપણે આપણી મહિલાઓ માટે બનાવવા માંગીએ છીએ?
પીડિતાની હાલત નાજુક:
પોલીસે ફકીર મોહન ઓટોનોમસ કોલેજના બી એડ વિભાગના HoD પ્રોફેસર સમીર કુમાર સાહુની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીનું 90% શરીર દાઝી ગયું છે, હાલ તે ભુવનેશ્વરની એઈમ્સમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે. સળગતી વિદ્યાર્થીને ચાવવાનો પ્રયાસ કરનારા તેના બે પુરુષ મિત્રો પણ દાઝી ગયા છે, જેમની ઇજાઓની પણ સારવાર ચાલી રહી છે.
આપણ વાંચો: કોણ છે નીતિન ગડકરીના આદર્શ? ભાજપના વિકાસ પુરુષ વિશે નીતિન ગડકરીએ પોડકાસ્ટમાં કર્યો ખુલાસો
આ ઘટનાનો ભયાવહ CCTV વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, દિલ્હી નિર્ભયા કેસ અને કોલકાતા એમ જી કર મેડીકલ કોલેજ રેપ કેસની જેમ જ રાષ્ટ્રીય સ્તરે આક્રોશ ફાટી નીકળે એવી અપેક્ષા છે, જેથી પીડિતાને ન્યાય મળે એ માટે તંત્ર પર દબાણ થઇ શકે.