નેશનલ

ઉદયપુર ચાકૂબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત : શહેરની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં ચાર દિવસ પહેલા (16 ઓગસ્ટ) બનેલી છરી વડે હુમલાની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીનું મોત થયું છે. એમબી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીની તબિયત બપોરે 3 વાગ્યાની આસપાસ બગડી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જો કે તેના મોત બાદ હોસ્પિટલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઉદયપુરમાં સ્ટેબિંગઃ પીડિતના પરિવારજનોએ દાવો કર્યો કે તેમને હોસ્પિટલમાં જવા ન દીધા

વિદ્યાર્થીના મોત બાદ લોકોએ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા છે. લોકોનું કહેવું છે કે શા માટે સારવારના નામે મૂર્ખ બનાવી રહ્યા છો. ઘટનાસ્થળે તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે કાફલો તૈનાત કરી દીધો છે. કલેક્ટર અરવિંદ પોસવાલ, એસપી યોગેશ ગોયલ, ઉદયપુર ગ્રામીણ ફૂલ સિંહ મીણા ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો: સ્કૂલમાં છરાબાજીની ઘટના બાદ ઉદયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ, શાળાઓ બંધ

શહેરમાં બજારોથી લઈને વિવિધ ચોકો સહિત શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં અફવાઓથી બચાવવા માટે ઈન્ટરનેટ પ્રતિબંધ પણ વધારવામાં આવ્યો છે. આજે રાત્રે 10 વાગ્યા સુધી નેટ બંધ રહેશે. એમબી હોસ્પિટલની ચારે બાજુ પોલીસ તૈનાત છે. ઘટનાના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવી સ્થિતિમાં ઉદયપુરના એસપી યોગેશ ગોયલ અને અન્ય અધિકારીઓ પોતે હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

શું હતો વિવાદ:
16 ઓગસ્ટના રોજ સુરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભટિયાણી ચોહાટા સ્થિત આર્ય સમાજ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર બોલાચાલી બાદ છરીની લડાઈ થઈ હતી. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના ક્લાસમેટ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હુમલામાં વિદ્યાર્થી દેવરાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલો કરનાર વિદ્યાર્થીનું નામ અયાન હોવાનું કહેવાય છે. ઘાયલ અને હુમલાખોર બંને ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે અને આર્ય સમાજ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button