ઓડિશાની કોલેજમાં વિદ્યાર્થીનીનો આત્મદાહનો પ્રયાસ: શિક્ષક પર શારીરિક શોષણના ગંભીર આરોપ

બાલાસોર: ઘરેલુ સતામણીને કારણે ઘણીવાર મહિલાઓ આત્મદાહ કરવાનું પગલું ભરતી હોય છે. પરંતુ ઓડિશાની કોલેજમાં વિદ્યાર્થિનીએ આત્મદાહ કરવાનું પગલું ભર્યું છે. જેને લઇને કોલેજના પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે.
વિદ્યાર્થિની અને વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યા
ઓડિશાના બાલાસોર જિલ્લાની ફકીર મોહન કોલેજની એક વિદ્યાર્થિનીએ કોલેજ પરિસરમાં આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આગમાં લપેટાયેલી વિદ્યાર્થિની નજરે પડે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી કોલેજની બહાર એકલી આવી હતી. તેની પાસે કેરોસીનનો ડબ્બો હતો. થોડીવાર પછી, તેણીએ પોતાના પર કેરોસીન રેડ્યું અને પોતાને આગ લગાવી દીધી. આગની જ્વાળાઓ વધતાં જ, તે પીડાથી ચીસો પાડીને ભાગવા લાગી.
આ પણ વાંચો: સંસદમાં હુમલા બાદ આત્મદાહ કરવાના હતા મનોરંજન અને સાગર, દિલ્હી પોલીસે જણાવ્યો પ્લાન
વિદ્યાર્થિનીને બચાવવા એક વિદ્યાર્થીએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે વિદ્યાર્થિનીને બચાવવા આવેલો વિદ્યાર્થી પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. સ્થાનિકો તેઓને બાલેશ્વર જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, બંનેની હાલત ખૂબ જ નાજુક હોવાથી તેમને ભુવનેશ્વરની એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
શિક્ષક પર લાગ્યા શારીરિક અને માનસિક શોષણના આરોપો
કોલેજમાં થયેલી દુર્ઘટનાને લઇને આચાર્ય દિલીપ કુમાર ઘોષે મીડિયાને જણાવ્યું હતું કે, કોલેજના વર્ગમાં ગેરહાજર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને સજાના ભાગરૂપે પરીક્ષા આપવા દેવામાં આવતી નથી. થોડા દિવસ વર્ગોમાં નિયમિત રહ્યા પછી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે. પીડિત વિદ્યાર્થિની પણ વર્ગમાં ગેરહાજર રહેતી હતી. જેથી તેને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી. થોડા દિવસ બાદ તે નિયમિત થઈ હતી, જેથી તેને પરીક્ષામાં બેસવા દેવાઈ હતી.
આ પણ વાંચો: Lucknow વિધાનસભા બહાર યુવકે ખુદને લગાડી આગ , 50 ટકા દાઝતા હોસ્પિટલમાં દાખલ કરાયો
આચાર્ય દિલીપ કુમારે આગળ જણાવ્યું કે, “આ છોકરી ફરીથી વર્ગમાંથી ગેરહાજર રહેવા લાગી હતી, તેથી તેને ફરીથી વર્ગમાં પરીક્ષા આપતા અટકાવવામાં આવી હતી. ત્યારબાદ માનસિક રીતે અસ્વસ્થ થઈને છોકરીએ તેના મિત્રોને ઘણી વાતો કહી હતી. ત્યારબાદ 30મી તારીખે કેટલાક વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા. તેમણે મને બધી વિગતે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ મને કહ્યું કે, શિક્ષક તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. આ સિવાય એક છોકરીએ મને કહ્યું હતું કે, એક શિક્ષક તેને બગીચા પાસે મળ્યા હતા અને તેની પાસેથી શારીરિક ઇચ્છા સંતોષવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો તે આમ કરશે તો બધું સારું થઈ જશે.”
આરોપી શિક્ષકની પોલીસે કરી ધરપકડ
પીડિત વિદ્યાર્થિનીએ ફકીર મોહન કોલેજના ઇન્ટિગ્રેટેડ બી.એડ. વિભાગના એચઓડી સમીર કુમાર સાહુ પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યા હતા. આ હેરાનગતિ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી. જેથી તે હડતાલ પર ઉતરી હતી. પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા તેણે આત્મદાહ કરવાનું પગલું ભર્યું હતું. ઘટનાના સમાચાર ફેલાતા જ બાલેશ્વર ટાઉન પોલીસ કોલેજ પહોંચી હતી. તેમણે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કોલેજ પ્રશાસન સાથે વાત કરી. આ પછી, પોલીસે આરોપી શિક્ષક સમીર કુમાર સાહુને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. સાથોસાથ કોલેજના આચાર્ય આચાર્ય દિલીપ કુમાર ઘોષને સસપેન્ડ કરવામાં આવ્યા છે.