દિલ્હીમાં હુમાયુના મકબરા કેમ્પસમાં એક રૂમની છત ધરાશાયીઃ બાળક સહિત 6નાં મોત…

નવી દિલ્હીઃ અહીંના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસેના એક રૂમની છત તૂટી પડતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
દિલ્હીના ફાયર વિભાગે કહ્યું હતું કે હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસે એક રૂમ છે. રૂમની છત તૂટી પડી એક બાળક સહિત છ લોકોનાં મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે બપોરે 3:55 વાગ્યે આ ઘટના અંગે ફોન આવ્યા બાદ કાટમાળમાંથી કુલ 10 થી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને એઈમ્સ ટ્રોમા અને એલએનજેપી હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.
ઘટના બાદ દિલ્હી ફાયર સર્વિસિસ (ડીએફએસ), દિલ્હી પોલીસ, એનડીઆરએફ અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) સહિત અનેક બચાવ એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “સ્ટેશન હાઉસ ઓફિસર અને સ્થાનિક સ્ટાફ પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડા સમય પછી ફાયર કર્મચારીઓ અને સીએટીએસ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
એનડીઆરએફ પણ બચાવ કામગીરીમાં જોડાયું હતું. ડીએફએસના એક વરિષ્ઠ અધિકારીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે મકબરા પરના ગુંબજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જાણ થતા તાત્કાલિક પાંચ ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના 16મી સદીના સ્મારકના મુખ્ય ગુંબજ સાથે સંકળાયેલી નથી પરંતુ તેના પરિસરમાં આવેલા એક નાના રૂમ સાથે જોડાયેલી છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હુમાયુનો મકબરો રાષ્ટ્રીય રાજધાનીમાં એક મુખ્ય પ્રવાસન આકર્ષણ છે અને દરરોજ સેંકડો સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓ તેની મુલાકાત લે છે. ઓછામાં ઓછા 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ દુર્ઘટના બની તે વિસ્તાર મધ્ય મકબરાનો નહીં પણ પેરિફેરલ માળખાનો ભાગ હતો. છત પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે તાજેતરના વરસાદને કારણે છત જર્જરિત થઈ હતી.
હુમાયુના મકબરના જીર્ણોદ્ધાર પાછળ કામ કરતી સંસ્થા આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચરના સંરક્ષણ આર્કિટેક્ટ રતીશ નંદાએ જણાવ્યું હતું કે “હુમાયુના મકબરાને કોઈ નુકસાન થયું નથી. હુમાયુના મકબરા પાસે એક નવું માળખું બનાવવામાં આવી રહ્યું હતું તેનો ભાગ તૂટી પડ્યો છે અને તેનો કેટલોક ભાગ હુમાયુના મકબરાનો દિવાલો પર પણ પડ્યો હતો.
આ પણ વાંચો…દિલ્હીમાં દુર્ઘટના: હુમાયુના મકબરામાં છત ધરાશાયી થતા અનેક દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ…