રખડતા શ્વાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં: તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, આશ્રયસ્થાન બનાવવા આદેશ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં શ્વાનને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા લાવારિસ શ્વાનને પકડી લેવાનો આદેશ જાહેર કર્યો છે. જેને લઈને ડોગ-લવર્સ અને જીવદયાપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, તેથી દિલ્હી મહાનગરપાલિકાના આ આદેશને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શ્વાનને લઈને અરજી ફગાવી
એક વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી મહાનગરપાલિકાના આદેશને સલામત રાખવા છતાંય અધિસૂચના જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે શ્વાનને લઈને કરવામાં આવેલા દિલ્હી મહાનગરપાલિકાના આદેશને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં બિનવારસ શ્વાનની સમસ્યા સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે વધી છે. 11 ઓગસ્ટના રોજ પસાર કરવામાં આવેલા આદેશને અટકાવવાની વચગાળાની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો: રખડતા શ્વાન 20,000ને મારે છે? સરકારી આંકડા અને WHOના અહેવાલોમાં વિરોધાભાસ…
શ્વાન માટે આશ્રયસ્થાન બનાવો
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે 11 ઓગસ્ટે એનસીઆરના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે દરેક વિસ્તારોમાંથી રખડતા શ્વાનને જલ્દી પકડવાનું શરૂ કરો. સાથોસાથ શ્વાન માટે તાત્કાલિક આશ્રયસ્થાન બનાવવામાં આવે અને તેના અંગે આઠ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરવામાં આવે. શ્વાનને તેમાં સ્થળાંતરિત કરવામાં આવે તથા તેઓને રસ્તા, સોસાયટી અને સાર્વજનિક સ્થળોએ છોડવામાં આવે નહીં.