છેલ્લા 24 કલાકમાં 2 વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો, રેલવે પોલીસે તપાસ શરુ કરી

નવી દિલ્હી: દેશના વિવિધ શહેરોને જોડતી વંદે ભારત ટ્રેનો (Vande Bharat Express train) શરુ થયા બાદ ટ્રેનને અનેક અકસ્માતો નડ્યા છે, કેટલીક વંદેભારત ટ્રેનો પર અસામાજિક તત્વોએ પથ્થરમારો (Stone pelting) કરી ટ્રેનને નુકશાન પહોંચાડ્યું હતું. એવામાં છેલ્લા 24 કલાકમાં 2 વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. બુધવારે રાત્રે લખનઉ-પટના વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આજે ગુરુવારે સવારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો.
બુધવારે રાત્રે અસામાજિક તત્વોએ લખનઉથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને કારણે ટ્રેનના C-5 કોચનો કાચ તૂટી ગયો હતો. મળતી માહિતી મુજબ, વારાણસી સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ આ ઘટના બની હતી, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, રેલવે પણ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી ઘટનાની જાણકારી મુજબ ઝારખંડના હજારીબાગમાં ગુરુવારે સવારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી.
વંદે ભારત ટ્રેનો પથ્થરમારો કોણે અને શા માટે કર્યો એ હજુ સ્પષ્ટ થયું નથી. રેલવે પોલીસ તપાસ કરી રહી છે.
રેલવેએ કહ્યું છે કે 24 કલાકની અંદર બે વંદે ભારત ટ્રેનો પર આવો જ હુમલો થયો હતો. રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન નંબર 22350ના કોચ નંબર E 1 પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં સીટ નંબર પાંચ અને છ પાસેના કાચ તૂટી ગયા હતા. આ ઘટના હજારીબાગના ચર્હી અને બેઝ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી.
આ પથ્થરમારામાં બારીના કાચને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં ટ્રેનમાં બેઠેલા કોઈપણ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજ દ્વારા અસામાજિક તત્વોને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આરપીએફએ આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
Also Read –