નેશનલ

ધાર્મિક સ્થળોએ પથ્થરમારો કરવામાં આવતા મેંગલુરુમાં તંગદિલી…

મેંગલુરુઃ દક્ષિણ કન્નડ જિલ્લામાં કટિપલ્લા અને બીસી રોડ ખાતે બે ધાર્મિક સ્થળો પર પથ્થરમારો અને બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓને પગલે આજે તંગદિલી સર્જાઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મેંગલુરુના કટિપલ્લામાં પથ્થરમારાની ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી, પરંતુ તાત્કાલિક કાર્યવાહીથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હતી અને આ વિસ્તારમાં કોઇ અપ્રિય ઘટના નોંધાઇ ન હતી.

આ ઘટનામાં પૂજા સ્થળની બારીઓ તૂટી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર કથિત પથ્થરબાજો બે મોટરસાઇકલ પર સવાર થઇને આવ્યા હતા. ઘટના બાદ સ્થળ પર ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.

નેશનલ હાઇવે-૭૫ને અડીને આવેલા બંટવાલ તાલુકાના બીસી રોડ નગરમાં સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે જૂથો દ્વારા ભડકાઉ નિવેદનો પોસ્ટ કર્યા બાદ તણાવ પેદા થયો હતો. દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસે કહ્યું કે બંટવાલના પૂર્વ ભાગમાં ઉપ્પિનંગડી અને પશ્ચિમ ભાગમાં પનેમંગલુરુ સુધી તકેદારી વધારી દેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ) અને બજરંગ દળના નેતાઓ શરણ પંપવેલ અને પુનીત અટ્ટવર સામે ભડકાઉ નિવેદનો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખી રહેલી મેંગલુરુ પોલીસ ભડકાઉ નિવેદનો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. મેંગલુરુ પોલીસ કમિશ્નર અનુપમ અગ્રવાલ આ અંગે અગાઉ જ ચેતવણી આપી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button