રામભક્તોની ટ્રેન પર પથ્થરમારો: વાતાવરણ તંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
લખનૌ: અયોધ્યાથી રામ ભક્તોને મુંબઈ લઈ આવી રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર બારાબંકી અને લખનૌ વચ્ચે પથ્થર મારો થયો હતો. આ બનાવને પગલે વાતાવરણ તંગ બન્યું હતું, ઘટના સ્થળે રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા હતા.
બનાવની વિગત મુજબ બારાબંકી અને લખનૌ વચ્ચે આવતા સ્ટેશન મલ્હૌર ખાતે તોફાની તત્વોએ આસ્થા સ્પેશિયલ ટ્રેનના એસ -4 કોચ પર પથ્થર મારો કર્યો હતો. કોચની બારી બંધ હોવાથી આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.
આ કોચમાં પ્રવાસ કરનારી મહિલા રામ ભક્તોએ બનાવ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રેલવે પોલીસના જવાનો આવીને બારી બંધ કરવા જણાવ્યું પછી તરત પથ્થર મારો થયો હતો, આનો અર્થ એવો થાય છે કે રેલવે પોલીસ જાણતી હતી કે ક્યાં અને શું થશે. તો તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી? પોલીસ કોને છાવરી રહી છે.
બીજી તરફ રોષે ભરાયેલા રામ ભક્તોને ઠંડા પાડવા સિનિયર અધિકારી ધસી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બનાવની નોંધ લેવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરીશું.