નેશનલ

કર્ણાટકના શિવમોગ્ગામાં ઈદના જુલૂસ પર પથ્થરમારો થતાં હિંસા ભડકી, તણાવનો માહોલ

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને પગલે વહીવટીતંત્રે રાગી ગુડ્ડા વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. આ સાથે રાગી ગુડ્ડામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કર્ણાટકના શિવમોગામાં ગઈકાલે રાત્રે એક ઈદના સરઘસ પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી.

શિવમોગાના પોલીસ અધિકારીએ કહ્યું કે ‘કેટલાક તોફાની તત્વોએ ઈદ ઉલ મિલાદના જુલુસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હતી. વીડિયોના આધારે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.’

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘સાવચેતીના પગલા તરીકે કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ હાલમાં કાબૂમાં છે, જોકે શાંતિ નગર અને રાગી ગુડ્ડા વિસ્તારમાં તણાવ હજુ પણ યથાવત છે. મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને સોશિયલ મીડિયા પર અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહ્યું છે.

શિવમોગામાં સાંપ્રદાયિક તણાવ અંગે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ ઈદ ઉલ મિલાદના સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમારી સરકાર આવી ગતિવિધિઓને સહન કરશે નહીં. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગઈ કાલે 1લી ઓક્ટોબરના રોજ આ વિસ્તારના કેટલાક લોકોએ ટીપુ સુલતાનના કટઆઉટ સામે વાંધો ઉઠાવ્યો હતો. હિંદુ પક્ષે ફરિયાદ કરી હતી કે કટઆઉટમાં ટીપુ સુલતાનને ભગવા કપડા પહેરેલા એક માણસને મારતા દર્શાવવામાં આવ્યા હતા. આ અંગે બંને પક્ષો વચ્ચે પહેલેથી જ તણાવ ચાલી રહ્યો હતો. તણાવને પગલે પોલીસે કટઆઉટને ઢાંકી દીધું હતું. મુસ્લિમ પક્ષના કેટલાક લોકોએ કટઆઉટ કવર કરવાનો વિરોધ કર્યો હતો. પોલીસે સમજાવ્યા બાદ બંને પક્ષો શાંત થયા હતા.

આ પછી, સાંજે, અગાઉ મુસ્લિમ પક્ષે ઇદ ઉલ મિલાદ માટે જુલુસ કાઢ્યું હતું. સરઘસ રાગી ગુડ્ડા વિસ્તારમાં પહોંચતાની સાથે જ કેટલાક તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો. આ તરફ બીજી બાજુએ પણ પથ્થરમારો કર્યો જેના કારણે સ્થિતિ વધુ બગડી. પથ્થરમારામાં છ મકાનો અને બે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. કર્ણાટક પોલીસ, રેપિડ એક્શન ફોર્સ તણાવપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button