કાનપુરમાં ફેસ્ટિવલ ટ્રેન પર પથ્થરમારો: RPF એક્શનમાં, છ અજાણ્યા લોકો સામે નોંધાયો ગુનો

કાનપુરઃ તહેવારોનો સમય છે, જ્યારે કામ ધંધા અર્થે બહારગામ રેતા લોકો ઘરે જતા હોય. આ સમયે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વખતે કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી દરભંગા જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો. આ ઘટનાએ રેલવેની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે, અને અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે.
અમદાવાદથી બિહાર જતી આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાનપુરના ભીમસેન સ્ટેશનના આઉટર સિગ્નલ પર ઊભી હતી ત્યારે અચાનક કેટલાક અસમાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યો. આ હુમલામાં ટ્રેનના એન્જિનનો કાચ તૂટી ગયો અને ડ્રાઇવરે સુરક્ષા માટે એન્જિનની બારી બંધ કરવી પડી. આ ઘટનાથી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ અને ડ્રાઇવરે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ પણ વાંચો: ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ
રેલવે સુરક્ષા બળની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ભીમસેન સ્ટેશન માસ્ટરની લેખિત ફરિયાદના આધારે RPFએ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેન આઉટર સિગ્નલ પર ઊભી હતી ત્યારે કેટલાક અસમાજિક તત્વોએ બહારથી પથ્થરો કર્યો. RPFએ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.
રેલવે વહીવટે આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે. તહેવારોના સમયે ટ્રેનોમાં વધતી ભીડને કારણે આવી ઘટનાઓની આશંકા રહે છે. રેલવે અધિકારીઓએ મુસાફરોને શાંતિ જાળવવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ રેલવે હેલ્પલાઈન અથવા સ્ટેશન માસ્ટરને કરવા અપીલ કરી છે. હાલમાં પોલીસે અડધો ડઝનથી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલુ રાખી છે.