મુંબઈ: ગઈ કાલે ગુરુવારે શેરબજાર (Stock market)માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી, ગઈ કાલે ધબડકા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) આજે 253 પોઈન્ટ ઘટીને 82,244 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા હતા અને 12 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી(NIFTY) શરૂઆતના કારોબારમાં 0.27 ટકા અથવા 68.20 પોઈન્ટ ઘટાડા સાથે 25,181 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે છેલ્લા સેશનમાં BSE સેન્સેક્સ 1769.19 પોઈન્ટના ઘટાડા સાથે 82,497.10 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી-ફિફ્ટી 546.80 પોઈન્ટ ઘટીને 25,250.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
BSE અને NSE બંને પર આજે બેન્કિંગ શેર વધુ સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગે છે. ટેક કંપનીઓના શેરમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, મારુતિ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ અને ઈન્ફોસીસના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે BSE પર બજાજ ફાઇનાન્સે સૌથી વધુ ઘટાડો નોંધાવ્યો છે.
દરમિયાન, બેન્ક ઓફ બરોડા અને HDFC બેન્કના શેરમાં મૂવમેન્ટ જોવા મળી રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બેન્ક ઓફ બરોડાનો વૈશ્વિક બિઝનેસ 10.23 ટકા વધીને રૂ. 25.06 લાખ કરોડ થયો છે. જ્યારે મોર્ગન સ્ટેનલી અને સિટી ગ્રુપે રૂ. 700 કરોડથી વધુના શેર ખરીદીને HDFC બેન્કમાં રોકાણ કર્યું છે.
ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. તેથી, મુંબઈ સમાચાર સલાહ આપે છે કે તમારે બજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Also Read –