(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મધ્યપૂર્વમાં યુદ્ધ વકરવાની ભતિ વચ્ચે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં શુક્રવારે કડાકાની હારમાળ જોવા મળી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે એશિયાઇ બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પણ કારમો કડાકો જોવા મળ્યો હતોે. ક્રૂડ ઓઇલના ઉછાળા, વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી છે.
શરૂઆતના જ સત્રમાં ૧૨૫૦ પોઇન્ટનો તોતિંગ કડાકો નોંધાવ્યા બાદ સત્રના પાછલા ભાગમાં સેન્સેક્સ ૧૮૩૨.૨૭ પોઈન્ટના ગાબડાં સાથે ૮૨,૪૩૨.૦૨ની બોટમે અથડાયો હતો અને અંતે ૧.૭૬૯.૧૯ પોઈન્ટ તૂટી ૮૨,૪૯૭.૧૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૫૬૬.૬ પોઈન્ટ તૂટી ૨૫,૫૦૦ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટી ગુમાવી અંતે ૫૪૬.૮૦ પોઈન્ટના કડાકા સાથે ૨૫,૨૫૦.૧૦ પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલ રૂ. ૯.૭૮ લાખ કરોડના ધોવાણ સાથે રૂ. ૪.૬૫ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
સેન્સેક્સના ૩૦ શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઇટન, અદાણી પોર્ટ અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર શેરોની યાદીમાં હતાં. એકમાત્ર જેએસડબલ્યુ સ્ટીલ જ પોઝિટિવ ઝોનમાં ટકી શક્યો હતો.
શેરબજારમાં કડાકા વચ્ચે કેઆરએન હીટ એક્સ્ટેન્જર એન્ડ રેફ્રીજરેટરનો શેર તેના રૂ. ૨૨૦ના ઇશ્યૂ ભાવ સામે ૧૧૩.૬૩ ટકાના જોરદાર પ્રીમિયમ સાથે રૂ. ૪૭૦ના ભાવે લિસ્ટેડ થયો હતો અને ૧૨૫.૯૦ ટકા ઊછળીને રૂ. ૪૯૭ સુધી પહોંચ્યો હતો. ગરૂડા ક્ધસ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર આઠમી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૯૨થી રૂ. ૯૫ નક્કી થઇ છે. અપર પ્રાઇસ બેન્ડ પર આઇપીઓનું કદ આશરે રૂ. ૨૬૫ કરોડ થાય છે. ભરણું ૧૦મી ઓકટોબરે બંધ થશે અને તેમાં ઓએફએસનો હિસ્સો ૯૫ લાખ શેરનો અને ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો ૧.૮૩ કરોડ શેરનો રહેશે.
બહુરાષ્ટ્રીય સંસ્થાઓ અને કંપનીઓ હવે ભારતના ટેલિકોમ વિભાગ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત ઝૂમ ઇન્ડિયાના પ્રથમ ક્લાઉડ ફોન સોલ્યુશનની ઍક્સેસ મેળવી શકે છે. નેસ્ડેક લિસ્ટેડ ઝૂમ વિડિઓ કોમ્યુનિકેશન ઇન્ક.એ મહારાષ્ટ્ર ટેલિકોમ સર્કલમાં મૂળ ભારતીય ફોન નંબર સાથે ઝૂમ ફોન સેવા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. વિવિધ કારણોસર બીજા ક્વાર્ટરમાં નફાકાર્કતા ઘટશે એવી જાહેરાત કરનાર ડાબર ઇન્ડિયાનો શેર ૭.૬૯ ટકાના કડાકા સાથે રૂ. ૫૭૧.૨૫ની સપાટીએ પહોંચ્યો હતો.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ ૪૦૭૨ શેર્સ પૈકી ૨૮૮૧ શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. જ્યારે ૧૧૦૭ શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સાર્વત્રિક વેચવાલીના માહોલ સાથે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં બે ટકાથી મોટા કડાકા નોંધાયા હતા. મેટલ સિવાય તમામ કોર સેક્ટર ઈન્ડાઈસિસમાં પણ એક ટકાથી ૨.૫૦ ટકા સુધીનો કડાકો હતો. રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ ૪.૬૨ ટકા કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ૧૦ ટકાથી વધુ તૂટ્યો હતો.
શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. બજારના સેન્ટિમેન્ટને સૌથી મોટો ફટકો વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે. એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી ચેતવણી આપી છે અને અમેરિકાએ પણ ઇકરાનને ખુલ્લેઆમ ધમકાવી નાંખ્યું છે. ભયભીત થયેલા ઇરાને હવે જાન બચાવવા નમતું જોખ્યું છે અને પોતે પહેલ નહીં કરે એવું ઉચ્ચારણ કર્યું છે, પરંતુ ઇઝરાયલ શું કરશે એ કલ્પના બહારની વાત છે. ઇઝરાયલને અમેરિકા સાથ આપી રહ્યું છે, તો ઇરાનને રશિયા તરફથી સાથ મળવાની સંભાવના છે. આ રીતે જો સુપર પાવર યુદ્ધમાં ઝંપલાવશે તો સમગ્ર વિશ્ર્વ માટે મોટું જોખમ ઊભું થઇ જશે.
સ્વાભાવિક છે કે જીઓ-પોલિટિકલ જોખમ ઊભા થતાં રોકાણકારો અને હેજ ફંડો ગોલ્ડ અને અન્ય સેફ હેવન એસેટ તરફ આગળ વધે છે અને ઇક્વિટી જેવા રિસ્કી એસેટમાં વેચવાલી વધવાને કારણે શેરબજારને ફટકો પડે છે.