નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે મંગળવારે ફરી જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની કવાયત ચાલુ રાખી હતી. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૮૫,૦૦૦ની અને નિફ્ટીએ ૨૬,૦૦૦ની સપાટીને સ્પર્શ કર્યો હતો. જોકે, ખૂબ જ અફડાતફડીમાંથી પસાર થયેલા સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૫,૦૦૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવીને અંતે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો.
અલબત્ત, નિફ્ટી ૨૬,૦૦૦ની નવી વિક્રમી ઇન્ટ્રા-ડે સપાટી નોંધાવ્યા બાદ ગબડ્યો હતો, પરંતુ પોઝિટિવ ઝોનમાં ટકી રહેવામાં સફળ રહ્યો હતો. ખાસ કરીને હદિુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાનીમાં વેચવાલી નીકળતા સુધારો ધોવાઇ ગયો હતો.
સેન્સેક્સ ૨૩૪.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાના ઉછાળા સાથે ૮૫,૧૬૩.૨૩ પોઇન્ટની ઓલટાઇમ હાઇ ઇન્ટ્રા-ડે સપાટીને અથડાઇને અંતે ૧૪.૫૭ પોઇન્ટના ઘટાડા સાથે ૮૪,૯૧૪.૦૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૭૨.૫ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકા ઉછળીને ૨૬,૦૧૧.૫૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને અંતે ૧.૩૫ પોઇન્ટના સુધારા સાથે ૨૫,૯૪૦.૪૦ની સપાટીએ સ્થિર થયો હતો.
હિંદુસ્તાન યુનિલીવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રઆ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, નેસ્લે, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ ટોપ લુઝર્સ રહ્યાં હતાં. જ્યારે ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.
Taboola Feed