ધોરડોના સફેદ રણમાં પતંગોત્સવનો પ્રારંભ: ૧૨ દેશના પતંગબાજો જોડાયા
(તસવીર:ઉત્સવ વૈદ્ય)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૪નો સરહદી કચ્છની વૈશ્ર્વિક ઓળખ બની ચૂકેલા ભાતીગળ ધોરડોના સફેદ રણ ખાતે હાડ થીજાવતી ઠંડી વચ્ચે દબદબાભેર પ્રારંભ થયો હતો.
જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ ૧૨ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત દેશ-વિદેશથી અહીં પધારેલા પતંગબાજોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન, પોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, ફ્રેન્ચ પોલેનીશીયા, પોર્ટુગલ, રોમાનિયા, ટ્યૂનિશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુક્રેન, વિયેતનામ તેમજ રાજસ્થાન, અમદાવાદ તેમજ કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ
જણાવ્યું હતું.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છના વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ પતંગોત્સવમાં ધોરડો સરપંચ મિયા હુસેન, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, માર્ગ અને મકાન રાજ્ય અધિક્ષક ઇજનેર વી. એન. વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફૂલમાલી, ભુજ ગ્રામ્ય મામલતદાર બી.એન.શાહ બીએસએફ ડેપ્યુટી કમાન્ડન્ટ મીણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.