ભારતમાં સ્ટારલિંકને લીલી ઝંડી: હવે સેટેલાઇટ ઇન્ટરનેટ અને નેટવર્ક વગર પણ કોલિંગ શક્ય!

નવી દિલ્હી: આગામી સમયમાં હવે ભારતમાં સંચાર ક્ષેત્રે ક્રાંતિ આવશે, એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે ભારતીય અવકાશ સંચાર સેવા નિયમનકાર INSPACe દ્વારા એલન મસ્કની કંપની સ્ટારલિંકને સેટેલાઇટ સેવા શરૂ કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
સ્ટારલિંકને 5 વર્ષ માટે લાઇસન્સ
ઈલોન મસ્કની કંપનીને ભારતમાં અવકાશ-આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લાઇસન્સ મળ્યું છે. જેથી હવે સ્ટારલિંક ભારતમાં જનરલ 1 ક્ષમતાવાળા LEO ઉપગ્રહો દ્વારા બ્રોડબેન્ડ સેવા પૂરી પાડી શકશે. કંપનીને નિયમનકાર દ્વારા 5 વર્ષનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, “સ્ટારલિંકની સસ્તી ઉપગ્રહ આધારિત સેવાના પ્રવેશ અંગેની તમામ પ્રક્રિયાઓ સરકારે પૂર્ણ કરી લીધી છે.” આ ઉપરાંત, સ્ટારલિંકની તમામ લાઇસન્સ સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં આવી છે. જેની પુષ્ટી IN-SPACEના ચેરમેન પવન ગોયેન્કાએ પણ કરી છે.”
નેટવર્ક વગર કોલિંગ શક્ય બનશે
સ્ટારલિંકની સેટેલાઇટ સેવા યુઝર્સને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા આપશે. આ સિવાય ઇમરજન્સી દરમિયાન મોબાઇલ નેટવર્ક વગર પણ કોલિંગ કરી શકાશે. મળતી માહિતી મુજબ સ્ટારલિંકની સેવા મેળવવા માટે દર મહિને 3300 રૂપિયાનો ચાર્જ વસૂલી શકે છે.
આ પણ વાંચો: સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
સ્ટારલિંક કમર્શિયલ સેવા શરૂ કરશે નહીં
ઉલ્લેખનીય છે કે, Jio, Airtel અને Ananth Technology પછી, એલોન મસ્કની કંપનીને INSPACeથી સેટેલાઇટ સેવા શરૂ કરવાનું લાઇસન્સ મળ્યું છે. એલોન મસ્ક 2022 થી જ ભારતમાં તેની સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
હવે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ નીચલા પૃથ્વી ભ્રમણકક્ષામાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. જોકે, સ્ટારલિંક હાલમાં ભારતમાં તેની કોમર્શિયલ સેવા શરૂ કરશે નહીં. આ માટે કંપનીએ સ્પેક્ટ્રમ ફાળવણીની રાહ જોવી પડશે.