
હરિદ્વાર: ઉત્તરાખંડના તીર્થસ્થાન હરિદ્વારના મનસા દેવી મંદિરમાં આજે હરિયાળી તીજ નિમિતે એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચી જતા 6 લોકોના મોત થયા હોવાનાં અહેવાલ (Haridwar stampede) છે, આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે, મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે
અહેવાલ મુજબ આ ઘટના આજે રવિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. મંદિર તરફ જતી સીડી પર ચાલી રહેલા લોકોમાં અચાનક નાસભાગ મચી ગઈ, જેના કારણે લોકો ચકદાયા હતાં. અહેવાલ મુજબ ઓવરહેડ પાવર લાઇન તૂટી જવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી.
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ લગભગ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
આપણ વાંચો: શું જોવા નાણા પ્રધાન નિર્મલા સિતારામને બાળકોને આંધ્ર પ્રદેશથી કચ્છ મોકલ્યા?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે SDRF, સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “આ બાબતે હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું, અને પરિસ્થિતિ પર નજીકથી રાખવામાં આવી રહી છે,”
આ ઘટના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જેમાં આ ઘટના કેટલી ભયાનક હતી એનો ખ્યાલ આવે છે.