દિવાળી વેકેશનમાં તમને વતન લઈ જવા એસટી દોડાવશે વધારાની 2000 બસ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને પોતાનું ગામ છોડી કામધંધે શહેરમાં આવતા હજારો લોકો આ ખાસ તહેવાર પોતાને વતન જઈ ઉજવવા માગતા હોય છે. સામાન્ય નાગરિક માટે રેલવે અને એસટીનો પ્રવાસ સુરક્ષિત અને પરવડનારો હોવાથી તેઓ આ બે વિકલ્પો જ પસંદ કરે છે. રેલવે સાથે હવે એસટી પણ તમને તમારા ગામે કે શહેરે પહોંચાડવા માટે સજજ છે. દિવાળી દરમિયાન એસટી વધારાની 2000 બસ દોડાવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.
દરેક તહેવાર અથવા તો ધાર્મિક પ્રસંગ, મેળા હોય ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે દિવાળીના તહેવારમાં પણ લોકો ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ગયા વર્ષે દિવાળીમાં 1500 જેટલી બસો દોડાવી હતી અને 6 કરોડથી વધુની આવક થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે 2 હજારથી પણ વધુ વધારાની બસો દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવાનો ધસારો હોય છે. સાથે અમદાવાદ સહિત તમામ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ ડિવિઝનમાં સૂચના પણ આપવામાં આવી છે જે તરફ મુસાફરોનો રસ વધે તે તરફ વધારાની બસો દોડાવવી. તેમજ ગ્રુપ બુકિંગ કરાવનારને વતન મુકવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, દિવાળીના તહેવારને લઈ લોકો ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે.
મુસાફરોનો ધસારો વધતા જોઈને ખાનગી વાહન માલિકો ભાડા પણ બમણા કરી દે છે અને લૂંટ ચલાવતા હોય છે, ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને સસ્તી અને સારી સુવિધા મળી રહે તે માટે આગાઉથી આયોજન કરી દેવામાં આવ્યું છે. દિવાળીના વેકેશનને લઈ ટ્રેનમાં વેઇટીંગ વધી રહ્યું છે. તેના પર રેલવે વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાથે દિવાળી સ્પેશિલ ટ્રેન અને વધારાના કોચ જોડવા માટેનું આયોજન કરી રહ્યા છે.