કોણે બનાવી હતી હઝરત બાલની દરગાહ, જ્યાં અશોક ચિહ્નનું કરવામાં આવ્યું અપમાન…

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલી ઐતિહાસિક હઝરતબલ દરગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હઝરતબલ દરગાહમાં ગયા અઠવાડિયે બબાલ થઈ હતી. વિવાદ એવો હતો કે, કેટલાક લોકોએ આ દરગાહમાં સ્થાપિત કરેલ અશોક પ્રતીકવાળી તકતીને નુકસાન પહોંચાડીને અશોક ચિન્હને તોડી નાખ્યું હતું. જે પછી આ વિવાદ વધારે ઉગ્ર બન્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે જ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ શું તમને આ દરગાહના ઇતિહાસ વિશે ખબર છે? ચાલો જાણીએ…
17મી સદી સાથે જોડાયેલો છે ઇતિહાસ
શ્રીનગરમાં આવેલી આ ઐતિહાસિક હઝરતબલ દરગાહનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ તેના સાથે સાથે ઐતિહાસિત મહત્વ પણ રહેલું છે. આ દરગાહ વિશે ઘણાં ઓછા લોકોને જાણકારી હશે! ઇતિહાસની વાત કરવામાં આવે તો, આ દરગાહનો ઇતિહાસ 17મી સદી સાથે જોડાયેલો હોવાનું જણાય છે. ઇતિહાસકારોનું કહેવું છે કે, પહેલા અહી ઇશરત મહેલ અને અદભૂત બગીચો હતો અને તેની જગ્યાએ હવે આ દરગાહ બનાવવામાં આવી છે. મુઘલ સમ્રાટ શાહજહાંનો એક સુબેદાર જેનું નામ સાદિક ખાન હતું. તેણે ઈ.સ 1623માં આ ઇશરત મહેલનું નિર્માણ કરાવ્યું હતું. અત્યારે આ દરગાહ મુસ્લિમ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.
દરગાહનો ઈતિહાસ શું છે?
હઝરતબલ દરગાહ ખાસ એટલા માટે છે, કારણ કે, આ દરગાહમાં પયગમ્બર મોહમ્મદ સાહેબની દાઢીના વાળ (રાઓ-એ-મુબારક) રાખવામાં આવેલા છે, જે અહીં સચવાયેલા છે. તેના કારણે દરગાહનું ઐતિહાસિક મહત્વ વધી ગયું છે. ઇતિહાસકારોના જણાવ્યાં પ્રમાણે આ દરગાહને અસર-એ-શરીફ, દરગાહ શરીફ અને મદીન-ઉસ-સાનીના નામે પણ ઓખળવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ દરગાહનું સંચાલન મુસ્લિમ ઓકાફ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ મોહમ્મદ અબ્દુલ્લાએ 1968માં આ દરગાહને આધુનિક સ્વરૂપ આપવાનું કાર્ય કર્યું હતું.
સંગેમરમર પથ્થરથી બની છે દરગાહ
ઇતિહાસકારોના મતે ઇસ 1979માં આ દરગાહનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આ દરગાહ બનાવવા માટે સફેદ સંગેમરમર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરગાહને સંપૂર્ણ રીતે તૈયાર થતા 11 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. દાલ તળાવના કિનારે આવેલી આ દરગાહ ચાંદની રાત્રે ચાંદી જેવી ચમકતી રહે છે તેના કારણે વધુ આકર્ષક લાગે છે. આ દરગાહમાં જુમ્મે કી નમાજ માટે મોટી સંખ્યામાં મુસ્લિમો આવતા હોય છે. મુસ્લિમો સાથે સાથે આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા રહે છે.
આ પણ વાંચો…..જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા એલર્ટ રહેવા સૂચના