ભારતના સૌથી મોંઘા ડિવોર્સ, જોહોના CEO શ્રીધર વેમ્બુને 14 હજાર કરોડના બોન્ડ જમા કરાવવા અમેરિકાની કોર્ટો આદેશ

કેલિફોર્નિયા: IIT મદ્રાસથી ગ્રેજ્યુએટ થયા બાદ શ્રીધર વેમ્બુ નામનો યુવાન 1989માં પ્રિંસ્ટન યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષયમાં પીએચડી કરવા માટે અમેરિકા ગયો હતો. ચાર વર્ષ બાદ તેણે 1993માં એક એન્ટરપ્રેન્યોર યુવતિ પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા હતા. તેઓને એક દીકરો પણ છે. જોકે, લગ્નના 28 વર્ષ બાદ આ દંપતીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જેનું કારણ શ્રીધર વેમ્બુની કંપની છે. આ છૂટાછેડા માટે શ્રીધર વેમ્બુને એક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Zohoના કો-ફાઉન્ડર છે શ્રીધર વેમ્બુ
પત્ની પ્રમિલા શ્રીનિવાસન સાથે અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી થઈને લગ્નજીવનની શરૂઆત કરી હતી. 1996માં શ્રીધર વેમ્બુએ પોતાના પાર્ટનર્સ સાથે મળીને એડવેંટનેટ નામની એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની શરૂ કરી હતી. 2009માં આ કંપનીનું નામ બદલીને Zoho કોર્પોરેશન કરવામાં આવ્યું હતું. જોકે, કેલિફોર્નિયમાં લગભગ ત્રણ દાયકા સુધી રહ્યા બાદ શ્રીધર વેમ્બુ 2019માં ભારત પાછા ફર્યા હતા. તેઓ તમિલનાડુમાં આવેલા પોતાના પૈતૃક ગામ મથલમપરાઈથી Zohoની કામગીરી સંભાળી રહ્યા હતા. જેના 2 વર્ષ બાદ તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીધર વેમ્બુ પર પત્નીના આરોપ
પ્રમિલા શ્રીનિવાસને શ્રીધર વેમ્બુ પર આરોપ લગાવ્યો હતો કે, તેણે પોતાની કંપનીના મોટાભાગના શેર પોતાની બહેન રાધા વેમ્બુ અને ભાઈ શેખર વેમ્બુને આપી દીધા છે. રાધા વેમ્બુ પાસે હાલની કંપનીનો લગભગ 47.8 ટકા શેર છે. જ્યારે વેમ્બુ ટેક્નોલોજીના સંસ્થાપક શેખર વેમ્બુ પાસે 35.2 ટકા શેર છે. શ્રીધર વેમ્બુ પાસે ફક્ત 5 ટકા શેર છે. જેની કિંમત 225 મિલિયન અમેરિકન ડૉલર છે. પત્નીના આ આરોપોને શ્રીધર વેમ્બુએ નકારી કાઢ્યા હતા અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.
શ્રીધર વેમ્બુના સૌથી મોંઘા છૂટાછેડા
શ્રીધર વેમ્બુએ ઓગસ્ટ 2021માં કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેને લઈને તાજેતરમાં કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શ્રીધર વેમ્બુને 1.7 અબજ અમેરિક ડૉલરના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમનું ભારતીય મુલ્ય 14,000 કરોડથી પણ વધારે થાય છે. કોર્ટે કહ્યું છે કે, વૈવાહિત સંપત્તિ પર પ્રમિલા શ્રીનિવાસનના હક્કથી થનારા સંભવિત નુકસાનથી બચવા માટે આવું કરવું જરૂરી છે. આમ, શ્રીધર વેમ્બુના છૂટાછેડા સૌથી મોંઘા છૂટાછેડા બની ગયા છે.



