શ્રીલંકાના નૌકાદળે તામિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી
મુખ્ય પ્રધાન સ્ટાલિને વિદેશ પ્રધાનન પત્ર લખ્યો
શ્રીલંકાના નૌકાદળે શનિવારે મોડી રાત્રે તમિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી હતી અને સાથે માછીમારી માટેની પાંચ બોટ પણ જપ્ત કરી હતી. રાજ્યના મત્સ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. શ્રીલંકાના નૌકાદળે શનિવારે રાત્રે એક ઓપરેશનમાં માછીમારોને પકડ્યા હતા. આ મહિને શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુની 10 બોટ જપ્ત કરી છે અને કુલ 64 માછીમારોની ધરપકડ કરી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને વિદેશ પ્રધાન એસ જયશંકરને વિનંતી કરી હતી કે તેઓ તમામ માછીમારો અને તેમની માછીમારી બોટોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં ભરે.
વિદેશ પ્રધાનનું ધ્યાન દોરતા એમકે સ્ટાલિને લખેલા પત્રમાં કહ્યું કે, આપણા માછીમારો તેમની આજીવિકા માટે માછીમારી પર આધાર રાખે છે અને તેમની સતત ધરપકડથી માછીમાર સમુદાયને સમસ્યાઓ થઈ રહી છે. શ્રીલંકાના નૌકાદળની આવી કાર્યવાહીથી રાજ્યમાં માછીમારી કરનારા સમુદાયો ભય હેઠળ છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, તમિલનાડુના માછીમારોને લાગે છે કે તેમનો અવાજ નબળો પડી રહ્યો છે. મને લાગે છે કે ભારત સરકારે માછીમારોના અધિકારો માટે અવાજ ઉઠાવવો જોઈએ અને તેમની સુરક્ષા માટે પગલા ભરવા જોઈએ.
મુખ્ય પ્રધાને પાલ્ક સ્ટ્રેટ વિસ્તારમાં ભારતીય માછીમારોના માછીમારીના પરંપરાગત અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી હતી
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે માછીમારોની ધરપકડને રોકવાની સતત માંગણીઓ છતાં શ્રીલંકન નૌકાદળ ભારતીય માછીમારોની ધરપકડ કરવાનું ચાલુ રાખે છે. તેમણે ‘ધરપકડ રોકવા માટે તાત્કાલિક નક્કર રાજદ્વારી પહેલ’ કરવાની પણ અપીલ કરી હતી.