ગંગાજળનો છંટકાવ પડશે મોંઘો, બરાબર નવરાત્રિ ટાણે ગંગાજળ પર 18 ટકા GST ઝીંકાયો
કેન્દ્ર સરકારની ‘ગંગાજળ તમારે દ્વાર’ યોજના 2016માં શરૂ થઇ હતી. આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાંથી લોકો ઘરબેઠા ગંગાજળ મંગાવતા હોય છે. જો કે વાર તહેવારમાં પૂજા-પાઠમાં અનેરું સ્થાન ધરાવતા ગંગાજળની પવિત્રતા હવે લોકોને મોંઘી પડશે. સરકાર ગંગાજળ પર 18 ટકા GST લાગુ કરી રહી છે.
પોસ્ટ ઓફિસની આવક વધારવાના અને લોકોને ગંગાનું પવિત્ર જળ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં શરૂઆતમાં લોકો 200 મિલી અને 500 મિલી ગંગાજળ 28 અને 38 રૂપિયામાં મેળવતા હતા. હાલમાં પોસ્ટ વિભાગ ગંગાજળની 250 મિલીની બોટલ આપે છે. જેની કિંમત 30 રૂપિયા છે. જો કે 18 ટકા GST બાદ હવે લોકોએ 35 રૂપિયા ચૂકવવા પડશે.
જો તમે ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ પરથી ગંગાજળ ખરીદો છો, તો સ્પીડ પોસ્ટ ચાર્જની સાથે ગંગોત્રી ગંગાજલની એક 250 મિલી બોટલ 125 રૂપિયામાં, બે બોટલ 210 રૂપિયામાં અને ચાર બોટલ 345 રૂપિયામાં મળશે. ઓર્ડર કર્યા પછી, પોસ્ટમેન તેને તમારા ઘરે પહોંચાડશે.
હલ્દવાની યોજના હેઠળ, ટપાલ વિભાગ અગાઉ ગંગોત્રી અને ઋષિકેશનું પાણી ઉપલ્બ્ધ કરાવતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી માત્ર ગંગોત્રીનું પાણી આપવામાં આવે છે. ગંગાનું ઉદ્ગમ સ્થાન હોવાને કારણે તેને સૌથી શુદ્ધ ગંગાજળ માનવામાં આવે છે. હાલમાં જ દેહરાદૂન સર્કલ તરફથી ગંગોત્રીના ગંગાજળની 250 મિલી બોટલ 18 ટકા જીએસટી સાથે 35 રૂપિયામાં આપવાનો ઓર્ડર મળ્યો છે, જેની માહિતી તમામ પોસ્ટ ઓફિસોને આપવામાં આવી છે. જે બાદ હવે પોસ્ટ ઓફિસમાં 35 રૂપિયામાં વધારાની કિંમત સાથે ગંગાજળ મળશે.