ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટની બારીની ફ્રેમ નીકળી ગઈ

વિચારો, તમે ફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેઠા છો અને અચાનક બારીની ફ્રેમ નીકળી જાય તો?! બસ આવું જ કંઈક ગોવાથી પુણે જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં બન્યું હતું.
ગોવાથી પુણે જઈ રહેલા વિમાનની બારીની ફ્રેમ હવામાં જ તૂટી ગઈ હતી, જોકે તેનાથી મુસાફરોની સલામતી પર કોઈ અસર પડી નહોતી. ઉડ્ડયન કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે પુણે એરપોર્ટ પર વિમાન ઉતર્યા પછી નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ફ્રેમનું સમારકામ કર્યું હતું.
આપણ વાંચો: રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 19 દિવસ માટે કેન્સલ, એર ઈન્ડિયાના આ નિર્ણયનું જાણો શું છે કારણ…
વિમાનની સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી
આ ઘટના અંગે સ્પાઈસજેટે જણાવ્યું હતું કે સમગ્ર ફ્લાઇટ દરમિયાન કેબિન પ્રેશર સામાન્ય રહ્યું હતું અને મુસાફરોની સલામતી પર કોઈ અસર પડી નથી. જે ભાગ નીકળી ગયો હતો તે એક બિન-માળખાકીય ભાગ હતો, જેને તડકાથી બચવા માટે બારીમાં ફીટ કરવામાં આવ્યો હતો અને વિમાનની સલામતી સાથે કોઈ પણ રીતનું સમાધાન નથી થયું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે Q400 વિમાનમાં બહુ-સ્તરીય બારીઓ છે, જેમાં મજબૂત, દબાણ સહન કરી શકે તેવા બાહ્ય કાચ લગાવવામાં આવ્યા હોય છે, જે કોઈ ઉપરી અથવા કોસ્મેટિક ભાગ છૂટો પડી જાય છતાં મુસાફરોની સલામતી જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરે છે.
આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….
પ્રવાસીએ ફોટો શેર કર્યો
મુસાફરોની સલામતી પર સવાલ ઉઠાવતા, એક મુસાફરે સોશિયલ મીડિયા પર વિમાનની તૂટેલી બારીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. મુસાફરે પોસ્ટમાં ઉડ્ડયન સુરક્ષા નિયમનકાર DGCAને ટૅગ કર્યું અને લખ્યું હતું કે આજે સ્પાઇસજેટની ગોવાથી પુણે જતી ફ્લાઇટની આંતરિક બારીનું માળખું ઉડાન દરમિયાન તૂટી પડ્યું હતું. હવે આ વિમાનને જયપુર જવાનું છે. શું તે ઉડાન ભરવા યોગ્ય છે?”