ખરડાતી છબીને બચાવવા 22 જાન્યુઆરીએ INDIA ગઠબંધનનો વિશેષ પ્લાન

નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીના કાર્યક્રમનો ભાજપ દેશભરમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ પણ પોતપોતાના આયોજનોમાં વ્યસ્ત છે. INDIA ગઠબંધનના નેતાઓ અલગ અલગ મંદિરોમાં જઇ પૂજા-અર્ચના કરશે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુવાહાટીના શિવ મંદિર તથા કામાખ્યા મંદિરની મુલાકાત લઇ શકે છે, તો મમતા બેનરજી કોલકાતામાં કાલી પૂજા કરશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પહેલેથી જ દિલ્હીમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમો યોજી રહ્યા છે.
આસામના ગુવાહાટીમાં આવેલા લોખરા ખાતેના શિવમંદિરની 22 જાન્યુઆરીએ રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે. મણિપુરમાં શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા બુધવાર સુધીમાં આસામ પહોંચશે. રાહુલ ગાંધી પોતાને શિવભક્ત ગણાવે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી એક રેલીમાં તેમણે જણાવ્યું હતું કે વિમાનમાં ટેકનીકલ ખામીને પગલે તેમણે ભોલેનાથને યાદ કર્યા હતા અને પછી તેમણે કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી. અમુક ચૂંટણી પ્રચારો દરમિયાન રાહુલ ગાંધીના ગળામાં રૂદ્રાક્ષની માળા પણ જોવા મળી હતી. જો કે 22 જાન્યુઆરીના દિવસે તેમનું શું આયોજન રહેશે તેના વિશે હજુસુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
જો કે, TMC સુપ્રીમો મમતા બેનરજીનો 22 જાન્યુઆરીનો પ્લાન ફિક્સ જણાઇ રહ્યો છે. તેઓ કોલકાતામાં તમામ ધર્મના લોકો સાથે સદ્ભાવ રેલી યોજશે. એ પછી કાલીઘાટ મંદિરમાં તેઓ દેવી કાલીની પૂજા કરશે, તેમજ રેલી દરમિયાન મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા તમામ જગ્યાએથી સરઘસ કાઢશે.