સ્પીકર વડા પ્રધાન સમક્ષ ઝૂકી ગયા: રાહુલ ગાંધી
બિરલાએ કહ્યું તેઓ વડીલોને પગે લાગવાની પરંપરાનું પાલન કરે છે

નવી દિલ્હી: વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સ્પીકર ઓમ બિરલા વચ્ચે સોમવારે લોકસભામાં શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. કૉંગ્રેસના નેતાએ એવો સવાલ કર્યો હતો કે બિરલા કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા.
સ્પીકર બિરલાએ કહ્યું હતું કે વડીલોને પગે લાગવાની પરંપરા છે અને તેઓ પરંપરાનું પાલન કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્પીકર ગૃહના સર્વોચ્ચ નેતા હોય છે.
રાષ્ટ્રપ્રમુખના ભાષણ પર અભિનંદનના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયેલા રાહુલ ગાંધીએ 18મી લોકસભાની પહેલી બેઠકની વાત કરી હતી, જ્યારે સ્પીકરની ચૂંટણી થઈ હતી. તેઓ વડા પ્રધાન મોદી સાથે સ્પીકરના પોડિયમ સુધી ગયા હતા.
તમે લોકસભાના અંતિમ લવાદ છો. તમે આ ગૃહનો અંતિમ શબ્દ છો. તમે જે કહો તે મૂળભૂત રીતે ભારતીય લોકતંત્રને વ્યાખ્યાયિત કરે છે. આ ખુરશી પર બે લોકો વિરાજમાન છે, એક ગૃહના સ્પીકર અને બીજા ઓમ બિરલા, એમ ગાંધીએ કહ્યું હતું.
મેં કશુંક નોંધ્યું હતું કે જ્યારે તમે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે મારી સાથે હાથ મિલાવતી વખતે તમે ટટ્ટાર ઊભા રહ્યા હતા અને હાથ મિલાવ્યો હતો, પરંતુ જ્યારે મોદીજીએ તમારી સાથે હાથ મિલાવ્યો ત્યારે તમે ઝૂકી ગયા હતા અને હાથ મિલાવ્યા હતા, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આ પણ વાંચો : રાહુલના નિવેદન પર સ્પીકરે કહ્યું “અગ્નિવીરને મળે છે એક કરોડનું વળતર, સંસદને ભ્રમિત ન કરો’
તેમના આ નિવેદનને પગલે સત્તાધારી બાંકડાના બધા જ લોકો ઊભા થઈ ગયા હતા અને શોરબકોર થયો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે મધ્યસ્થી કરતાં કહ્યું હતું કે આ સ્પીકરની ખુરશી પર ગંભીર આરોપ કરવામાં આવી રહ્યો છે.
બિરલાએ કહ્યું હતું કે તેઓ વડીલોને નમવાની પરંપરાનું પાલન કરી રહ્યા હતા.
વડા પ્રધાન ગૃહના નેતા છે. મારી સંસ્કૃતિ અને પરંપરા કહે છે કે વ્યક્તિગત કે પછી જાહેર જીવનમાં વડીલોને નમવું જોઈએ અને સમાન સ્તરના લોકો સાથે સમાનતાનું વર્તન કરવું જોઈએ. તે જ અમે શીખ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
હું મારા પદ પરથી કહી શકું છું કે આ મારી સંસ્કૃતિ છે કે વડીલો સમક્ષ નમવું અને જરૂર પડે તેમના પગે પણ પડવું, એમ બિરલાએ કહ્યું હતું.
ગાંધીએ કહ્યું હતું કે હું સ્પીકરનું સન્માન કરું છું, પરંતુ સ્પીકર કરતાં કોઈ મોટું નથી અને દરેક વ્યક્તિએ તેમને નમવું જોઈએ. હું તમને નમીશ અને આખો વિપક્ષ આવું જ કરશે. (પીટીઆઈ)