South tax movement: કર્ણાટક બાદ આજે કેરળ અને તમિલનાડુ કેન્દ્ર સરકારનો દિલ્હીમાં વિરોધ કરશે
નવી દિલ્હી: દક્ષિણ ભારતના રાજ્યો કેન્દ્ર સરકાર પર આર્થિક ભેદભાવ અને અન્યાય કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ગઈકાલે કર્ણાટક સરકારે દિલ્હીના જંતર-મંતર મેદાન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે, કેરળની CPI(M) સહીત ડાબેરી મોરચો અને તમિલનાડુના DMK તેમના સંબંધિત રાજ્યોમાં ફંડની ફાળવણીમાં કથિત ભેદભાવ અંગે કેન્દ્ર સરકાર સામે અલગ-અલગ રીતે પ્રદર્શન કરશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF)ના વિરોધને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનું સમર્થન મળ્યું છે. આજે થનારા વિરોધ પ્રદર્શનમાં ડાબેરી મોરચાના પ્રધાનો, વિધાનસભ્યો અને સાંસદો ભાગ લેશે. વિજયને બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દક્ષિણના રાજ્યને તેના ઇતિહાસમાં સૌથી ખરાબ નાણાકીય કટોકટી તરફ ધકેલી રહ્યું છે.
કેરળ સામે કેન્દ્રના ભેદભાવ અને પરિણામે સર્જાયેલી નાણાકીય કટોકટીએ રાજ્યને વિરોધનો માર્ગ અપનાવવાની ફરજ પાડી છે. જોકે, યુનીટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF) એ વિરોધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે ડાબેરી મોરચા દ્વારા કેન્દ્ર પર લગાવવામાં આવેલા આરોપો સાથે સહમત નથી. કેન્દ્રના વચગાળાના બજેટ 2024-25માં તમિલનાડુને જરૂરી ભંડોળ ન ફાળવવા બદલ DMKના વરિષ્ઠ નેતા ટી.આર.બાલુની આગેવાની હેઠળ સાંસદો સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે કાળો શર્ટ પહેરીને વિરોધ કરશે.
ડીએમકે નેતાએ કહ્યું કે તાજેતરના ચક્રવાત, વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્રએ તમિલનાડુને પૂરતું ભંડોળ પૂરું પાડ્યું નથી. ડીએમકેના સાંસદ અને પાર્ટીના સંસદીય દળના નેતા બાલુએ કહ્યું કે કોંગ્રેસ સહિત સહયોગી પક્ષોના સાંસદોને રાષ્ટ્રીય રાજધાનીમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. ડીએમકેનું કહેવું છે કે ચક્રવાત, વરસાદ અને પૂરને પગલે આશરે રૂ. 37,000 કરોડની રાહતની માગણી કરતી તમિલનાડુની રજૂઆત પર વચગાળાના બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વધુમાં, મદુરાઈમાં AIIMSની સ્થાપના સહિત તમિલનાડુમાં વિકાસ પરિયોજનાઓ માટે ભંડોળની ફાળવણી અંગે વચગાળાના બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.