મધ્યપ્રદેશના રાજકારણમાં હવે સૂરમા ભોપાલીની એન્ટ્રી
ભોપાલ: મધ્યપ્રદેશમાં આ દિવસોમાં સત્તાસંઘર્ષ ચાલી રહ્યો છે. ઓલ ટાઇમ સુપરહીટ ફિલ્મ ‘શોલે’ની તર્જ પર ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. એક તરફ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કમલનાથ અને દિગ્વિજયને ‘જયવીરુ’ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કમલનાથ તેનો જવાબ આપતા શિવરાજને ‘ગબ્બર’ બનાવી દીધા છે. આ બધા વચ્ચે હવે ‘સૂરમા ભોપાલી’ની પણ એન્ટ્રી થઇ છે.
સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘શોલે’નો એક એડિટેડ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં ‘સૂરમા ભોપાલી’ના કેરેક્ટરની એન્ટ્રી થઇ છે. સમગ્ર વિવાદની શરૂઆત જો કે શિવરાજે કરી હતી, કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ કમલનાથ અને દિગ્વિજયને શોલે ફિલ્મના ‘જયવીરુ’ ગણાવતા તેમણે ટિપ્પણી કરી હતી કે તેઓ ‘લૂટના માલ માટે ઝઘડી રહ્યા છે.’ 2003 સુધી દિગ્વિજયે રાજ્યને લૂંટ્યું, બરબાદ કર્યું અને તે પછી કમલનાથે એમપીને લૂંટનો અડ્ડો બનાવી દીધું, તેવું શિવરાજે નિવેદન આપ્યું હતું. તો આ આક્ષેપોનો જવાબ આપવા કમલનાથ મેદાનમાં આવ્યા અને તેમણે સીએમ શિવરાજને ‘ગબ્બર’ ગણાવતા કહ્યું હતું કે “અત્યાચારી ગબ્બરનો હિસાબ જયવીરુએ જ કર્યો હતો.” મધ્યપ્રદેશ 18 વર્ષથી અત્યાચારથી ત્રસ્ત છે, આ અત્યાચારના અંતનો હવે સમય આવી ગયો છે. કમલનાથે શિવરાજના કથિત કૌભાંડોની યાદી પણ જાહેર કરી હતી.
હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઇરલ થયો છે તેમાં સૂરમા ભોપાલી પણ સાથે છે. આ એક એડિટેડ વર્ઝન છે જેમાં જયવીરુ અને સૂરમા ભોપાલી ત્રણેય સાથે છે. સૂરમા ભોપાલી હંમેશાની જેમ ફાંકા મારી રહ્યો છે કે જયવીરુએ તેના પગ પકડી લીધા, કઇ રીતે મદદની ગુહાર લગાવી, એડિટેડ વર્ઝનમાં જયવીરુના ચહેરા પર કમલનાથ-દિગ્વિજયના ચહેરા અને સૂરમા ભોપાલીના ચહેરા પર શિવરાજનો ચહેરો લગાવીને વીડિયો મોર્ફ કરી વાઇરલ કરવામાં આવ્યો છે. ચૂંટણી સમયે આવા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થાય છે અને કોમેડી સર્જાય છે.