
શ્રીનગર: વિવાદોમાં રહેતા ગાયકોમાં પ્રખ્યાત ગાયક સોનુ નિગમનું નામ મોખરે છે. તાજેતરમાં તેમનો શ્રીનગર ખાતે એક કોન્સર્ટ યોજાયો હતો. જોકે, આ કોન્સર્ટમાં સોનુ નિગમે કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. ઉલટાનું સોનુ નિગમે એક સારું કામ કર્યું છે. પરંતુ તેમના જૂના વિવાદની અસર આ કોન્સર્ટમાં જોવા મળી છે.
અઝાન દરમિયાન સોનુ નિગમે ગાવાનું બંધ કર્યુ
જમ્મુ કાશ્મીરના દાલ તળાવ પાસે આવેલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે 26 ઓક્ટોબર, 2025ના રોજ સોનુ નિગમનો કોન્સર્ટ યોજાયો હતો. પહલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ આ પહેલી કોઈ ઇવેન્ટ હતી.
આ કોન્સર્ટ દરમિયાન જ્યારે અઝાન શરૂ થવાની હતી. ત્યારે સોનુ નિગમે ગાવાનું અટકાવી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સરહાના પણ થઈ રહી છે.
આપણ વાચો: પીડાથી કણસતો હતો છતાં કોન્સર્ટ કર્યો; સોનુ નિગમે વિડીયો શેર કરી કહીં આ વાત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ નિગમ કહે છે કે, “કૃપયા મને બે મિનિટ આપો, અઝાન શરૂ થવાની છે.” આ સાંભળીને પ્રેક્ષકો તાળીઓ પાડે છે. અઝાન પૂરી થતાની સાથે જ સોનુ નિગમ ફરીથી પોતાનો કાર્યક્રમ શરૂ કરી દે છે.
કોન્સર્ટમાં પ્રેક્ષકોની પાંખી હાજરી
જોકે, જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા આ કોન્સર્ટમાં સોનુ નિગમના જૂના કોન્સર્ટના પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. 2017 માં સોનુ નિગમે લાઉડસ્પીકર પર વગાડવામાં આવતી અઝાન અંગે ટ્વિટર પર ટિપ્પણીઓ કરી હતી. જોકે વિવાદ વકરતા સોનુ નિગમે પોતાના ટ્વિટ ડિલિટ કર્યા હતા. પરંતુ તાજેતરમાં આ ટ્વિટના સ્ક્રીનશોટ ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
જેના કારણે લોકોએ સોનુ નિગમના શ્રીનગર કોન્સર્ટનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ બહિષ્કારના ભાગરુપે સોનુ નિગમના તાજેતરના કોન્સર્ટમાં પણ પ્રેક્ષકોની પાંખી હાજરી જોવા મળી હતી.



