નેશનલ

સોનિયા ગાંધી પાસે નથી પોતાની કાર, તો જયા બચ્ચન પાસે છે 40 કરોડથી વધુના દાગીના, રાજ્યસભાની ચૂંટણી લડતા નેતાઓની સંપતિ પર એક નજર…

નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha elections) લડવા ઈચ્છુક અનેક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં સોનિયા ગાંધી, જયા બચ્ચન, પ્રફુલ પટેલ, અશોક ચવ્હાણ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો દસ્તાવેજોમાં તેમની સંપત્તિ પણ જાહેર કરે છે, જે ઘણીવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવો, કેટલીક સેલિબ્રિટીઝ પર એક નજર કરીએ જેમણે તેમના નામાંકન ભર્યા છે અને તેમણે જાહેર કરેલી સંપતિ પર નજર કરીએ…

સોનિયા ગાંધી: 7 વખત લોકસભા ચૂંટણી જીતી ચૂકેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પહેલીવાર રાજ્યસભામાં જઈ રહ્યાં છે. તેમની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે 12.53 કરોડ રૂપિયા છે જેમાં, રૂ. 90,000 રોકડ છે, 88 કિલો ચાંદી અને 1267 ગ્રામ સોનું છે. 5 વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં 73 લાખ રૂપિયાનો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે તેમની પાસે કોઈ કાર નથી.

સોનિયા ગાંધી પાસે દિલ્હીના દેરામંડી ગામમાં ત્રણ વીઘા જમીન પણ છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તેમની ઇટાલીમાં પણ તેના પિતાની પૈતૃક સંપત્તિમાં પણ હિસ્સો છે જે લ્યુઇસિયાનામાં છે. જેની કિંમત 26 લાખ 83 હજાર 594 રૂપિયા છે.

જયા બચ્ચન: ચૂંટણીમાં ઉમેદવારીને આપેલા સોગંધનમાં મુજબ, પ્રખ્યાત અભિનેત્રી અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાસે રોકડ 57 હજાર 507 રૂપિયા છે. જ્યારે બેંક ખાતામાં 10 કરોડ 11 લાખ 33 હજાર 172 રૂપિયા જમા છે. તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે 12 લાખ 75 હજાર 446 રૂપિયા રોકડા છે. અને બેંક ડિપોઝીટની જો વાત કરવામાં આવે તો 1 અબજ 20 કરોડ 45 લાખ 62 હજાર 83 રૂપિયા છે.

જયા બચ્ચન પાસે 40.97 કરોડ રૂપિયાની કિંમતના દાગીના છે. જ્યારે તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડની કિંમતની જ્વેલરી છે. જયા બચ્ચન પાસે 9.82 લાખ રૂપિયાની કિંમતની એક કાર પણ છે. જ્યારે તેમના પતિ પાસે કુલ 16 ગાડીઓ છે જેની કિંમત 17.66 કરોડ રૂપિયા છે જેમાં એક મર્સિડિઝ અને એક રેન્જ રોવર પણ સામેલ છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા પ્રફુલ્લ પટેલ મહારાષ્ટ્રના રાજકારણમાં વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તેમની જંગમ અને સ્થાવર એમ જાહેર કરેલી સંપત્તિ 450 કરોડ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તેમની પાસે કુલ 68 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા મિલિંદ દેવરાને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમની સંપત્તિની કિંમત 134 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPના મેડા રઘુનાધા રેડ્ડી ₹475 કરોડ સાથે રાજ્યસભાના ત્રણ ઉમેદવારોમાં સંપત્તિની યાદીમાં ટોચ પર છે. વાય. વી. સુબ્બરેડી પાસે ₹118 કરોડ છે, જ્યારે ગોલા બાબુરાવ પાસે ₹4.19 કરોડ છે. રેડ્ડી અને સુબ્બરેડ્ડીની સંપત્તિ વચ્ચેનો તફાવત 357 કરોડ રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button