મારા પરિવારનું ધ્યાન રાખજોઃ Sonia Gandhiએ કોને લખ્યો ભાવુક પત્ર ને કરી આવી અપીલ
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ગઈકાલે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે આથી એ વાત સ્પષ્ટ થઈ કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં. આ વાત વર્ષોથી તેમની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના રાયબરેલીના લોકોને લગભગ નહીં ગમી હોય અને સોનિયા ગાંધી માટે પણ ભાવુક ઘડી રહેશે કારણ કે આ લોકસભા બેઠક સાથે તેમનો 20 વર્ષનો સંબંધ છે. ત્યારે તેમણે પોતાના મતવિસ્તારના લોકોને સંબોધીને ભાવુક પત્ર લખ્યો છે.
કોંગ્રેસની વાત કરીએ તો રાયબરેલી સાથે પાર્ટીનો સંબંધ લગભગ 8 દાયકા જૂનો છે. સોનિયા ગાંધી પહેલીવાર 2004માં રાયબરેલીથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. પરંતુ વધતી ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ આપી તેમણે રાયબરેલીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. સોનિયા ગાંધી માટે આ નિર્ણય કેટલો મુશ્કેલ હતો, આ વાતનો ઉલ્લેખ તેમના રાયબરેલીના લોકોને લખેલા ભાવનાત્મક પત્રમાં કર્યો છે. ( Sonia Gandhi letter)
સોનિયા ગાંધીએ લખ્યું છે કે રાયબરેલી મને મારા સાસરિયા તરફથી સૌભાગ્યની જેમ મળ્યું. પતિ રાજીવ ગાંધી અને સાસુ ઈન્દિરા ગાંધીને ગુમાવ્યા બાદ જ્યારે હું અહીં આવી ત્યારે તમે લોકોએ મને ભરપૂર સમર્થન આપ્યું.
સોનિયા ગાંધીએ આગળ લખ્યું છે કે હું ક્યારેય ભૂલી શકતી નથી કે તમે છેલ્લી બે ચૂંટણીઓમાં મુશ્કેલ સંજોગોમાં પણ ખડકની જેમ મારી પડખે ઉભા હતા. મને એ કહેતા ગર્વ થાય છે કે આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું અને તમારા આ ભરોસા પર ખરી ઉતરવા મેં તમામ કોશિશ કરી છે.
કોંગ્રેસ નેતાએ રાયબરેલીના લોકોને કહ્યું કે વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે તે હવે આગામી લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. હવે તેમને અહીંયા લોકોની સીધી સેવા કરવાની તક નહીં મળે. પરંતુ તેમનું હૃદય અને આત્મા હંમેશા અહીં રહેશે.
આ સાથે સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને એક અપીલ પણ કરી હતી કે જે રીત મારું ધ્યાન રાખ્યું તે રીતે મારા પરિવારની પણ સંભાળ લેજો. સોનિયાની જગ્યાએ તેમનાં દીકરી પ્રિયંકા ગાંધી અહીંથી લોકસભા લડે તેવી અટકળો છે ત્યારે તેમણે રાયબરેલીના લોકોને પ્રિયંકાને પણ સાથ આપવાની અપીલ કરી હોવાનું માનવામાં આવે છે.