ઇરાન પરની એરસ્ટ્રાઈક અંગે સોનિયા ગાંધીએ અમેરિકાની નીતિને વખોડી

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની સત્તાવાર એન્ટ્રી થઈ છે, તેનાથી એશિયાઈ સાથે મુસ્લિમ રાષ્ટ્રોનો વિશ્વાસ ડગી ગયો છે ત્યારે ભારતમાં વિરોધી પક્ષની પહેલી પ્રતિક્રિયા આવી છે. શનિવારની મોડી રાત્રે અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી. એક તરફ ઇઝરાયલ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે અમેરિકાનું આ કૃત્ય ઈરાન માટે દાઝ્યા પર ડામ સાબિત થયો હતો. ત્યારે અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાને લઈને કૉંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. પોતાની પ્રતિક્રિયામાં સોનિયા ગાંધીએ અમેરિકા અને ઇઝરાયલની નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે.
ટ્રમ્પ પોતે કરેલી વાતને ભૂલી રહ્યા છે
સોનિયા ગાંધીએ એક અખબારમાં આર્ટિકલ લખીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ ઇઝરાયલના હુમલાને ‘બેવડો માપદંડ’ ગણાવતા કહ્યું હતું કે જ્યારે ઇઝરાયલ પોતે એક પરમાણુ શક્તિ છે, તો પછી એવા કયા નૈતિક આધાર પર તે ઈરાનને સતત નિશાન બનાવી રહ્યું છે, ભલે તેની પાસે કોઈ પરમાણુ શસ્ત્રો છે જ નહીં. તેમણે આગળ જણાવ્યું કે, “આવી કાર્યવાહી ન માત્ર પ્રાદેશિક શાંતિ માટે જોખમી છે, સાથોસાથ તે આંતરરાષ્ટ્રીય વિશ્વાસ અને સંતુલનને પણ ગંભીર હાનિ પહોંચાડે છે.”
‘ખોટા આરોપો’ના આધારે હુમલા કર્યાં
સોનિયા ગાંધીએ ડૉનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ટીકા કરતા જણાવ્યું કે, “ક્યારેય ન સમાપ્ત થતા યુદ્ધો” અને “લશ્કરી-ઔદ્યોગિક લોબી”ની ટીકા કરતા હતા, પરંતુ હવે તેઓ પોતે જ એ રસ્તે આગળ વધી રહ્યા છે. તેઓ અનેક વાર કહી ચૂક્યા છે કે વિનાશક હથિયારો હોવાના ‘ખોટા આરોપો’ના આધારે ઈરાન પર હુમલો કરલામાં આવ્યો છે. આ હથિયારો ક્યારેય મળ્યા નથી.
હિંસક કાર્યવાહી માનવતાની વિરુદ્ધ
સોનિયા ગાંધીએ અમેરિકાની આ લશ્કરી કાર્યવાહીની સરખામણી ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી અમાનવીય કાર્યવાહી સાથે કરી હતી. તેમણે કહ્યું કે, “જે રીતે ગાઝામાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેવી જ રીતે ઈરાનમાં આ હુમલો સામાન્ય લોકોના જીવન અને પ્રાદેશિક સ્થિરતાને પણ જોખમમાં મૂકી રહ્યો છે.” કોંગ્રેસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી હિંસક કાર્યવાહી માનવતાની વિરુદ્ધ છે. સાથોસાથ તે વૈશ્વિક શાંતિ માટેના પ્રયાસોને પણ નબળા પાડે છે.
ઈરાન વર્ષોથી ભારતનો વિશ્વસનીય મિત્ર
સોનિયા ગાંધીએ તેમના આર્ટિકલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ઈરાન વર્ષોથી ભારતનો વિશ્વસનીય અને ઐતિહાસિક મિત્ર રહ્યો છે અને આવા સમયે, ભારતનું મૌન “ચિંતા અને પીડા બંને”નું કારણ છે. ભારતે ગાઝામાં થયેલી વિનાશ અને હવે ઈરાનમાં શું થઈ રહ્યું છે તેના પર જવાબદાર, સ્પષ્ટ અને સાહસભર્યા અવાજમાં બોલવું જોઈએ.