‘શૂર્પણખા દહન’ કાર્યક્રમ રદ: સોનમ રઘુવંશીના પૂતળા દહન પર હાઈકોર્ટે લગાવી રોક

ભોપાલ: પાછલા મહિનાઓમાં રાજા રઘુવંશી હત્યાકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઇન્દોરના રાજા રઘુવંશી નામના યુવકની તેની જ પત્ની સોનમ રઘુવંશીએ હત્યા કરાવી દીધી હતી. જેથી સોનમ રઘુવંશીને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આ રોષના ભાગરૂપે ઇન્દોર ખાતે ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનમ રઘુવંશીના પૂતળાનું દહન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે આ કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપ્યો છે.
ઇન્દોરમાં થવાનો હતો ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમ
ઇન્દોરની ‘પૌરુષ’ સંસ્થા દ્વારા દશેરાના દિવસે ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એવી 11 મહિલાઓના પૂતળાઓનું દહન કરવાની યોજના બનાવવામાં આવી હતી. જે મહિલાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમાં સોનમ રઘુવંશીનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.
પૌરુષ સંસ્થાના પ્રમુખ અશોક દશોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારા ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમનો હેતુ રાવણનો નહીં, પરંતુ સમાજમાંથી દુષ્ટતાનો અંત લાવવાનો છે. જે સ્ત્રીઓ પોતાના પતિની હત્યા કરે છે, તે સમાજમાં સૌથી મોટી દુષ્ટતા છે. આ જ સંદેશ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
સોનમ રઘુવંશીની માતાએ કરી હતી માંગ
પૌરુષ સંસ્થા દ્વારા આયોજીત ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમ સામે સોનમ રઘુવંશીની માતા સંગીતા રઘુવંશીએ વાંધો ઉઠાવ્યો હતો અને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.
જેમાં તેમણે, ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમને પોતાની દીકરીની પ્રતિષ્ઠા પર હુમલો ગણાવ્યો હતો. સંગીતા રઘુવંશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્દોરની ‘પૌરુષ’ સંસ્થા દ્વારા દશેરાના દિવસે ‘શૂર્પણખા દહન’ના કાર્યક્રમમાં 11 આરોપી મહિલાઓના પૂતળાનું દહન થવાનું હતું.
જેમાં ઇન્દોરની સોનમ રઘુવંશી, મેરઠની મુસ્કાન, રાજસ્થાનની હર્ષા, જૌનપુરની નિકિતા સિંઘાનિયા, દિલ્હીની સુષ્મિતા, મેરઠની રવિતા, ફિરોઝાબાદની શશી, બેંગલુરુ સુચના સેઠ, દેવાસની હંસા, મુંબઈની ચમન ઉર્ફે ગુડીસા, ઓરૈયાની પ્રિયંકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…નવરાત્રીમાં મારુતિનો ધમાકો: 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં હજારો કાર વેચી!